અમદાવાદઃ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં થયેલી અગ્નીકાંડની ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જેને લઈ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું હતું અને અમદાવાદ શહેરની તેમજ રાજ્યની તમામ હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી હતી.
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ FRIના નામે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરેઃ કોંગ્રેસ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ સરકારે બે IAS અધિકારીઓને રિપોર્ટ તૈયાર કરવા અંગે સુચના આપી હતી, જે અંગે બન્ને IAS અધિકારીઓએ પોતાનો રિપોર્ટ સરકારમાં સુપરત કર્યો હતો. જેને ધ્યાને લઇ સરકારે તુરંત ટ્રસ્ટી અને જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાના આદેશ આપ્યા હતા.
જો કે, કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે, સરકાર માત્ર તપાસના નામે લીપાથોભી કરી રહી છે, મૃતક પરિવારોને ન્યાય મળે અને સરકાર ન્યાયિક તપાસ કરે તેવી કોંગ્રેસ પક્ષે માગણી કરી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ શહેરની અંદર મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થઇ રહ્યું છે. શહેરમાં કેટલીય હોસ્પિટલોમાં બેદરકારી રાખવામાં આવી રહી છે. રાજ્યમાં અનેક આવી ગોઝારી ઘટનાઓ બની ચુકી છે, જેમાં હજી સુધી પરિવારને ન્યાય મળ્યો નથી. ત્યારે સરકાર તપાસ અને ફરિયાદના નામે લીપાથોપી બંધ કરે અને પરિવારને કેવી રીતે ન્યાય મળે તે દિશામાં તપાસ કરે તે યોગ્ય ગણવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર કઈ દિશામાં તપાસ કરે છે અને બેદરકારી દાખવનારા સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, તે એક મહત્વનો સવાલ બની રહેશે.