- સરદારનું ગણતંત્રની લડતમાં મહત્વનું યોગદાન
- ભારતના ગણતંત્રની લડતમાં વડાપ્રધાન પદ પણ જતુ કર્યું
- નિઝામને કાઢી મૂકવા માટે ઓપરેશન પોલો ચલાવ્યું
- 562 રજવાડાઓને એક કરીને ભારતને એક કર્યું
- મિત્રોના આગ્રહના લીધે રાજકારણમાં જોડાયા
અમદાવાદઃએક રાજકીય તથા સામાજિક અને લોખંડી નેતા એટલે સરદાર વલ્લભભાઇ પટેલ (Sardar Patel Birth Anniversary). જેમણે દેશના ગણતંત્રની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને સમગ્ર દુનિયામાં તે સરદારના નામથી સંબોધાય છે. તેમજ દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. ભારતના ગણતંત્ર પર સરદારનો સિંહ ફાળો રહ્યો છે, ત્યારે ચાલો જાણીએ શું હતું તેમનું બલીદાન, ETV Bharatનો વિશેષ અહેવાલ.
સરદારનો જન્મ અને લગ્ન
સરદાર પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં પાટીદાર જ્ઞાતિમાં થયો હતો. તેઓ ઝવેરભાઈ પટેલ અને લડબા દેવીના ચોથા સંતાન હતા. સોમાભાઈ, નરસીભાઈ અને વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમના માતાપિતા ખેતી કામ સાથે જોડાયેલા હતા. તેમની ચોક્કસ કોઈ જન્મ તારીખ સામે આવી નથી, પરંતુ તેમની મેટ્રીકની પરીક્ષાના ફોર્મ પરથી તેમના જન્મ તારીખ ૩૧ ઓક્ટોબર તરીકે માનવામાં આવે છે. આ બાદ તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા હતા અને તેમના માતાપિતા ત્યાં ખેતીકામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેમણે તેમનું શિક્ષણ મુખ્યત્વે પોતાની રીતે જ મેળવ્યું હતું. તેઓ 18 વર્ષના થયા ત્યારે તેમના નજીકના જ ગામના 13 વર્ષીય ઝવેરબા સાથે લગ્ન થયા.
સરદારની રાજકારણની શરૂઆત
સરદાર વલ્લભભાઈ પટેલે તેમના મિત્રોના આગ્રહને કારણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સરદાર પહેલા 1917માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા ત્યારબાદ તે અમદાવાદના મેયરની ચૂંટણીમાં એક મતથી હારી ગયા હતા, પરંતુ તે ફરીથી ચૂંટણીમાં એક મતથી જ જીત્યા હતા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી હતી. તેમણે 1934 અને 1937ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બસ ત્યારથી ભારત દેશ આઝાદ કરવાનો પાયો નંખાયો હતો.
સરદારની ભારતના રાજકીય એકીકરણ માટેની લડત
સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કરવા માટે 600થી વધુ રજવાડાઓને ભારત સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપી હતી. ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ આમ જનતાના ઘણા ખરા ભાગને ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે. કોંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. 6મે, 1947થી સરદારે રાજાઓની સાથે મંત્રણા ચાલુ કરી પોતાની વાત રજૂ કરી હતી. જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ શકાઈ હતી.