- 103 રીપિટર વિદ્યાર્થીઓ તેમના શિક્ષક સાથે શિક્ષણ પ્રધાનને મળવા પહોંચ્યા
- દરેક વિદ્યાર્થીઓ સમાન હક મળવવાની વાત રજૂ કરી
- આ વિદ્યાર્થીઓની પણ માસ પ્રમોશનની માંગ
ગાંધીનગર:કોરોનાને કારણે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ આપવામાં આવ્યું છે ત્યારે એવા રીપિટર વિદ્યાર્થીઓ કે જેમને આ વર્ષે પરીક્ષા આપવાની હતી. આ વિદ્યાર્થીઓ અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો. આ વિદ્યાર્થીઓમાં ક્યાંકને ક્યાંક નારાજગી પણ સરકારના નિર્ણયને લઈને જોવા મળી છે. જેને પગલે ગાંધીનગરમાં રીપિટર વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક અજય વાઘેલા સાથે આવી સચિવાલયમાં શિક્ષણપ્રધાનને આવેદનપત્ર પણ આપ્યું છે.
ધોરણ 10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ કરી
દરેક વિદ્યાર્થીઓ સમાન છે તો આપો સમાન અધિકાર
કોરોના સંક્રમણના કારણે ધોરણ 10ને પહેલા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે એ બાદ ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ આ બધા વચ્ચે રીપિટર વિદ્યાર્થીઓ ભૂલાયા હતા. જેથી અમદાવાદથી 103 જેટલા વિદ્યાર્થીઓ તેમના ટ્યુશન ક્લાસીસના શિક્ષક અજય વાઘેલા સાથે શિક્ષણ પ્રધાન કાર્યાલય સુધી આવેદન આપવા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓનું માનવું છે કે લૉ માં વિદ્યાર્થીઓને સમાન હકની વાત કરવામાં આવી છે તો અમને શા માટે એમાં બાકાત રાખવામાં આવ્યા છે. અમને પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે માસ પ્રમોશન આપવામાં આવે.
આ પણ વાંચો:Gujarat High Courtએ કાયદાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવા બાબતે Gujarat Universityને પાઠવી નોટિસ
શિક્ષકે આંદોલનની ચિમકી આપી
વિદ્યાર્થીઓ સાથે આવેલા શિક્ષક અજય વાઘેલાએ જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને નવા સચિવાલય ખાતે મળ્યા હતા જેમને રીપિટર વિદ્યાર્થીઓ અંગે જણાવ્યું હતું કે આ બાબતે અમારી વિચારણા ચાલી રહી છે. જો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહીં, આવે તો અમે જરૂર પડતા આંદોલન પણ કરીશું. તેવું તેમને જણાવ્યું હતું.જોકે રીપિટર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ગુજરાતમાં ઘણી છે. જેને ધ્યાને લેતા આ અંગે ગંભીરતાથી વિચાર કરવાની સરકારને જરૂર છે. કેમ કે, આ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા સમયે સંક્રમિત થઈ શકે છે.