ગુજરાત

gujarat

રેમડેસીવીર કાંડ – હાઇકોર્ટે સી. આર. પાટીલ અને ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને નોટિસ ફટકારી

By

Published : Apr 20, 2021, 5:30 PM IST

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 5000 ઇન્જેક્શન સુરત ભાજપની ઓફિસ ખાતે જરૂરિયાતમંદોને વિનામુલ્યે આવ્યા હતા. જે બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં PIL કરતા મંગળવારના રોજ હાઇકોર્ટ દ્વારા સી. આર. પાટીલ અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને નોટિસ ફટકારવામાં આવી છે.

Gujarat High Court
Gujarat High Court

  • સુરતમાં થયેલા રેમડેસીવીર કાંડના પડધા હાઇકોર્ટમાં પડ્યા
  • ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને નોટીસ
  • રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનરને પણ હાઇકોર્ટની નોટિસ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના પોતાનો આતંક મચાવી રહ્યો છે, બીજી લહેરમાં કોરોના વધુ ઘાતક બનીને સીધા ફેંફસા પર જ એટેક કરે છે, ત્યારે આ પરિસ્થિતિમાં રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓ માટે અમૃત સમાન કામ કરે છે, ત્યારે લોકો ઇન્જેક્શન મેળવવા માટે હોસ્પિટલની બહાર આખી રાત-રાત લાઇન લગાવીવે બેસતા હતા, તેવા સમયે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 5,000 ઇન્જેક્શન સુરત ભાજપની ઓફિસ ખાતે જરૂરિયાતમંદોને વિનામુલ્યે આવ્યા હતા. એક બાજૂ અછત અને બીજી બાજુ પાટીલે 5,000 ઇન્જેક્શન આપ્યા હતા, જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં PIL કરતા મંગળવારના રોજ હાઇકોર્ટે સી. આર. પાટીલ અને રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાને નોટિસ ફટકારી છે.

એક બાજુ અછત તો બીજી તરફ વિનામુલ્યે વહેંચણી

રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સામે આવી હતી, કોઇ પણ વ્યક્તિને સમયસર મળતા ન હતા અને જો મળે તો કલાકો સુધી રાહ જોવી પડતી હતી, ત્યારે આ સમયગાળામાં ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સુરતના કમલમ ખાતે 5,000 રેમડેસીવીર ઇન્જેક્શનની લહાણી કરી હતી. તમામ લોકોને પ્રશ્ન થયો હતો કે, અત્યારે કોઇને એક ઇન્જેક્શન નથી મળી રહ્યા, ત્યારે સી. આર. પાટીલ 5,000 ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા? આ સમગ્ર મામલે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં બાબતે PIL કરી દીધી હતી. જેમાં મંગળવારના રોજ હાઇકોર્ટે સી. આર. પાટીલને કાયદેસરની નોટિસ પાઠવી છે.

ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર કોશિયાને પણ નોટીસ

જરૂરિયાતમંદને એક ઇન્જેક્શન મેળવવા માટે કલાકોની રાહ જાવી પડતી હતી, ત્યારે આવી પરિસ્થિતીમાં ઇન્જેકશનનો સંગ્રહ કરવો તે ગુનો બને છે, ત્યારે આ સમગ્ર મામલે રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરના તપાસ કરવાની સૂચના તો આપી હતી, પરંતુ કઇ રીતે તપાસ કરવામાં આવી અને ગુનો નોધવામાં આવ્યો કે નહીં, ઇન્જેકશન ક્યાંથી લાવ્યા, તે તમામ મુદ્દે હાઇકોર્ટ દ્વારા કોશિયાને પણ કાયદેસરની નોટિસ આપવામાં આવી છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યો હતો ઉડાઉ જવાબ

જ્યારે સુરત ભાજપ કાર્યાલય ખાતેથી સી. આર. પાટીલે 5,000 રેમડેસીવીર ઇન્જેક્શનની લહાણી કરી હતી, ત્યારે આ બાબત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્રકારો દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જવાબદારી સાથે નહીં પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતુ કે, સીઆરને જ પૂછો એ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા?

ઇન્જેક્શનનું વેચાણ માટે મંજૂરી મેળવવી જરૂરી

રેમડેસીવીર ઇન્જેક્શન સાથે અન્ય કોઇ પણ દવાનો સંગ્રહ કરવો, તેનું વેચાણ કરવો કે તેવી લહાણી કરાવી, તેના માટે ફાર્માસિસ્ટનુ લાઇસન્સ કે અન્ય મંજૂરીઓ, પરવાનગીઓ મેળવવી પડતી હોય છે. જ્યારે આત્યારે વિપરીત પરિસ્થિતિમાં કોઇને એક ઇન્જેક્શન નથી મળતુ, ત્યારે ભાજપમાં પ્રદેશ પ્રમુખ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા, કયા કાયદા હેઠળ તેમને ઇન્જેક્શનનો સ્ટોક કર્યો અને વહેચણી કરી તે તમામ બાબતેનો મુદ્દે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં 15 એપ્રિલના રોજ PIL કરી હતી.

જાણો શું છે રેમડેસીવીર કાંડ?

રેમડેસીવીર મુદ્દે રાજકારણ : સીઆર પાસે ઇન્જેક્શન!!! CM અજાણ, વિપક્ષના પ્રહાર

ઉલ્લેખનીય છે કે, સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જે દર્દીઓને ઇન્જેક્શનોની જરૂરિયાત હોય તેઓભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરી વિનામૂલ્યે ઇન્જેક્શન મેળવી શકશે. જે બાદ આ સમગ્ર વિવાદ સર્જાયો હતો.

સુરતમાં નિઃશુલ્ક રેમડેસીવીર લેવા માટે ભાજપ કાર્યાલય પર લોકોની લાંબી લાઇન

આ જાહેરાત બાદ ભાજપ કાર્યાલયની બહાર મોટી લાઈનો જોવા મળી હતી. કોવિડના દર્દીઓના પરિજનો વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં હાજર થઇ ગયા હતા અને લાઈન લગાવી હતી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમના પ્રિસ્ક્રિપ્શનમાં અને આધારકાર્ડ લઇ તેમને નિશુલ્ક ઇન્જેક્શન આપી રહ્યા હતા. આ અંગે ભાજપના નેતાઓએ ETV Bharatને જણાવ્યું હતું કે, અત્યારે 1,000 ઇન્જેક્શનનો જથ્થો આવી ગયો છે જે આજના દિવસે લોકોને આપવામાં આવશે લોકોને હાલાકી ન થાય આ માટે ભાજપના કાર્યકર્તાઓ ઇન્જેક્શન લોકોને નિશુલ્ક આપી રહ્યા છે.

સુરતમાં ભાજપ 5000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે : સી.આર.પાટીલ

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. રેમડેસીવીર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જાહેરાત કરી. સુરતમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે. જેને જરૂર હોય તેણે ભાજપનો સંપર્ક કરવાની કરી અપીલ કરી છે. સુરત શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ કોરોનાથી સંક્રમિત દર્દીઓની ચિંતા કરી અને મારી સમક્ષ રજૂઆત કરતાં આ ઇન્જેક્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભાજપ લોકોના મૃતદેહો અને લોકોના દુ:ખ પર રાજનિતિ કરે છે : કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરાજસિંહે સવાલ ઉઠાવ્યો છે કે, રેમડેસીવીર ઈન્જેક્શનો ગુજરાત રાજ્યની હોસ્પિટલ્સ, મેડિકલ સ્ટોર્સ પર નથી, ત્યારે ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો? શું કમલમ કોઈ ફાર્માસ્યૂટિકલ કંપની છે? ભાજપે કયા મેડિકલ નિયમો મુજબ 5,000 રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો મેળવ્યો અને કયા સોર્સથી મેળવ્યો? જેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ.

સી. આર. પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા એ એમને જ પૂછો : વિજય રૂપાણી

સુરત ભાજપ તરફથી 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. સી. આર. પાટીલે સુરત માટે 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હોવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, સી.આર. પાટીલે સુરતની ચિંતા કરીને 5 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા તેમણે કેવી રીતે કરી..? આ પ્રશ્નનો ચોક્કસ જવાબ સી. આર. પાટીલ જ આપી શકશે. સરકાર તરફથી અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details