અલ્પેશ ઠાકોરને ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચુંટણી ન લડવા મુદે હાઈકોર્ટમાં થયેલી રિટના મામલામાં પૂરાવા રજૂ કરવા હાઈકોર્ટે અરજદાર સુરેશ સિંગલને આદેશ કર્યો હતો. પરંતુ આજ દિવસ સુધી એકપણ મુદત અરજદાર કોર્ટમાં હાજર રહ્યા નહોતા. તથા કરાયેલા આક્ષેપોના પૂરાવા ચોરાઈ અને ખોવાઈ ગયા હોવાનું બહાનું કાઢતા અરજદારના વકીલે આ અંગેનું લેખિત સ્ટેટમેન્ટ કોર્ટમાં રજૂ કર્યું હતું. લેખિત સ્ટેટમેન્ટની સાથે અરજદાર દ્વારા અરજી પણ પરત ખેંચી લેવામાં આવી છે.
અલ્પેશને મળી રાહત, અરજદાર પાસેથી પૂરાવા ગુમ થતા અરજી પરત મળતી માહિતી મુજબ, કેટલાક અજાણીયા લોકો દ્વારા કેસની અરજી પરત ખેંચવા, સુપ્રિમ કોર્ટમાં ન જવા અને અલ્પેશ ઠાકોરની સીડી આપી દેવા મુદે 11 કરોડ રૂપિયાની ઓફર કરીં હતી. ત્યારબાદ અરજદારે તેના વકીલ ગુર્જર પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સાથે મળીને પૈસા પડાવવાનો આક્ષેપ કર્યો હતો. અરજદાર સિંગલે ખાનગી ટીવી ચેનલ પર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
અરજદાર સુરેશ સિંગલ દ્વારા તેમના વકીલ ધર્મેશ ગુર્જર પર કરવામાં આવેલા આક્ષેપ બાદ ગુર્જરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ અરજદારના કેસમાં વકીલ તરીકે રાજીનામું આપી દેશે.
મળતી માહિતી મુજબ, વકીલે અરજદાર સિંગલ વિરૂધ પોલીસ ફરિયાદ અને બદનકક્ષીનો દાવો કરવાની તૈયારી બતાવી હતી. જોકે, 2 દિવસ બાદ એટલે કે ગુરુવારે બંન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. વકીલ ધર્મેશ ગુર્જરને તેમના અસીલનો ફોન આવ્યો હતો અને પોતે આવેષમાં આવીને કૃત્ય કર્યું હોવાની કબુલાત કરતા બંન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરનો દાવો
અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે, બાઈક પર આવેલા બે શખ્સોએ તેમને પાડવાનો પ્રયાસ કર્યો હતો. અજાણીયા શખ્સોએ તેમને સુપ્રીમમાં પીટીશન ન કરવા અને અલ્પેશની ત્રણ સીડી પરત કરવા માટે 11 કરોડની લાલચ પણ આપી હતી.
અલ્પેશ વિરૂધ દાખલ કરાયેલી પીટીશનના મુદા
આ સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એજવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી હતી કે, આ બન્ને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને આ ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. એટલું જ નહીં હાલમાં આ બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે. ત્યારે જ્યાં સુધી વિધાનસભાના સ્પીકર બન્નેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી. ઉપરાંત ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી અને ત્યારબાદ કોઇ કારણોસર તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનું પરિપત્ર કર્યું છે. જે શંકા ઉપજાવતી બાબત છે.’
અલ્પેશ ઠાકોર પહેલાં કોંગ્રેસ તરફથી રાધનપુરના ધારાસભ્ય હતા અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ તરફથી બાયડના ધારાસભ્ય હતા. તેમણે ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો ભંગ કરી ક્રોસવોટિંગ દ્વારા ભાજપને મત આપ્યો હતો. ત્યારબાદ તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. બન્ને ધારાસભ્યો પર પક્ષાંતર ધારાની જોગવાઇઓ લાગુ કરી તેમને છ વર્ષ સુધી કોઇપણ ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે તેવી માગ કોંગ્રેસે કરી છે. તેમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડતા ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે અને આ બન્ને પૂર્વ ધારાસભ્યો હવે ભાજપના ઉમેદવાર છે. જો તેઓ ચૂંટણી જીતશે અને ત્યારબાદ સ્પીકર કોઇ નિર્ણય નહીં કરે તો ચૂંટણી વ્યર્થ જશે અને નાગરિકોના નાણાની બરબાદી થશે.
અલ્પેશ ઠાકોર સમાજને પહેલાં એવું કહેતા હતા કે, તેઓ રાજકારણમાં જોડાશે નહીં. પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની એવું કહેવા લાગ્યા કે તેઓ સત્તામાં રહી સમાજની સેવા કરવા માગે છે. હવે તેઓ તક જોઇને ભાજપમાં જોડાયા છે. આ બન્ને ધારાસભ્યો અંગત લાભના કારણે મતદારો સાથે દગો કરી રહ્યા હોવાનો અરજદારનો આક્ષેપ છે. તેથી તેમને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.