- સાબરમતી આશ્રમ ખાતે સાંજના સમયે આયોજીત એક કાર્યક્રમનું આયોજન કરાયું
- 'વૈષ્ણવજન તો તેણે રે કહીએ' ને પ્રથમ વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુત કરવામાં આવશે
- 'સત્યના પ્રયોગો' નું પણ કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન કરવામાં આવશે.
અમદાવાદ : આ વિશે વધુ માહિતી આપતા નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી કપિલ રાવલે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, નવજીવન ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં ગાંધી વિચારનો પ્રચાર કરવાનો છે અને તેના મૂળ ગાંધી આત્મકથામાં છે. 'સત્યના પ્રયોગો' 16 ભાષામાં ઉપલબ્ધ છે જે નવજીવન ટ્રસ્ટમાં જ પ્રિન્ટ થઈ છે. હવે 17મી અને 18મી ભાષા કાશ્મીરી અને બોડો હશે. છેલ્લે 2013 માં પંજાબીમાં તેનું વિમોચન થયું હતું.
1974 માં કાશ્મીરીમાં 'સત્યના પ્રયોગો' નો અનુવાદ થયો હતો
કપિલ રાવલે જણાવ્યું હતું કે, પહેલા પણ કાશ્મીરીમાં મહાત્મા ગાંધીની આત્મકથાનો અનુવાદ થયો હતો. તેનો રેકર્ડ હતો, પરંતુ તેની માહિતી ન હતી. આથી જ્યારે નવજીવન ટ્રસ્ટ દ્વારા કાશ્મીરીમાં અનુવાદ કરવાનું નક્કી થયું ત્યારે કાશ્મીર યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર ગુલામ નબી ખયાલ સુધી આ વાત પહોંચી. તેમણે જણાવ્યું કે, 1974 માં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અખ્તર મોયુદ્દીન દ્વારા તેનો અનુવાદ થયો હતો, જેને કાશ્મીરની સ્ટેટ કલ્ચરલ એક્ટિવિટી દ્વારા પબ્લિશ કરાઈ હતી, તે પૈકીની એક કોપી તેમની પાસે ઉપલબ્ધ હતી. આ કોપી તેમણે નવજીવન ટ્રસ્ટને આપી છે. આ જ પ્રતને 47 વર્ષ બાદ સ્કેન કરીને પબ્લિશ કરવામાં આવી છે. જો કે આ સંપૂર્ણ આત્મકથા નથી, પરંતુ આ કથાનો મોટો ભાગ છે.
આ પણ વાંચો : રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા તે શાળામાં બન્યું વિશ્વકક્ષાનું મ્યુઝિયમ