અમદાવાદઃ શાહપુર પોલીસે ગેસના બાટલાના કૌભાંજડનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે સંખ્યાબંધ ગેસના બાટલા જપ્ત કરી 2 આરોપીની ધરપકડ કરી છે.
નંબર પ્લેટ વિનાની રિક્ષામાં ચાલતું લાલ બાટલાનું કૌભાંડ મળતી માહિતી મુજબ, ગત ઘણા સમયથી દાણીલીમડા, ગોમતીપુર, શાહપુર, કૃષ્ણનગર તથા કાગડાપીઠ સહિત અનેક વિસ્તારોમાં ગેસ બાટલા ચોરી થયા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેને લઇ પોલીસે તપાસ કરતા શાહપુર પોલીસે સરફરાઝ અન્સારી અને દાનિશ અન્સારીની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓ ગેસના બાટલાની ચોરી કરવામાં માહેર છે. ગત ઘણા સમયથી આ બન્ને ભેજાબાજ શખ્સો બાટલાની ફેરી કરતા ફેરિયાઓનો પીછો કરતા અને બાટલા ચોરી કરી પલાયન થઈ જતા હતા, પરંતુ આખરે શાહપુર પોલીસે આ બાટલા ચોર ટોળકીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શાહપુર પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીઓ પાસેથી પ્રાથમિક તબક્કે ચોરીના 3 બાટલા જપ્ત કર્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપી સરફરાજ અન્સારી અને દાનીશ અન્સારીની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 45થી વધુ બાટલો ચોરી કર્યાની હકીકત બહાર આવી છે. જેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓએ પેસેન્જર રીક્ષાની મદદથી દાણીલીમડા, ગોમતીપુર, શાહપુર, કૃષ્ણનગર તથા કાગડાપીઠ સહિત અનેક વિસ્તારોમાં ગેસના બાટલા ચોરી કરવાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે.
શાહપુર પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછમાં કુલ 24 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ બન્ને આરોપીઓની બાટલા ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ગજબની હતી. હાલ પોલીસે ચોરીના 45થી વધુ બાટલો સાથે બન્ને આરોપીને ઝડપી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, તો બીજી તરફ ચોરીમાં આ ષડયંત્રમાં અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.