- અમદાવાદની હોસ્પિટલનું રિયાલિટી ચેક
- COVID-19 હોસ્પિટલના હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન
- કેટલીક હોસ્પિટલે ફોન ઉપાડવાની તસ્દી જ ન લીધી
અમદાવાદઃ શહેરમાં હાલ કોરોના સંક્રમણ દિવસેને દિવસે જોખમી બની રહ્યું છે ત્યારે સરકાર ત્રીજી લહેરને લઇ પણ સતત ચિંતિત જોવા મળી રહી છે. ફરી એક વાર પોતાના સ્વજનો માટે હોસ્પિટલોમાં બેડ માટે લોકો ઠેર ઠેર ભટકી રહ્યાં છે. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે અમદાવાદની હોસ્પિટલોમાં 1,500 કોવિડ બેડ ખાલી છે પરંતુ વાસ્તવિકતા કોસો દૂર છે. પોતાના સ્વજન એવા કોરોના પેશન્ટ માટે ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરવાળો બેડ શોધવામાં અમદાવાદીઓને અનેક ઘણી તકલીફ પડે છે. તેની ચકાસણી માટે ETV Bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. આ માટે શહેરની કેટલીક કોવિડ હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી કે ત્યાં વેન્ટિલેટરની સુવિધા સાથેના ખાલી બેડની શી સ્થિતિ છે. આ તપાસ દરમિયાન ચાર હોસ્પિટલમાંથી તો કોઈ જવાબ જ આપવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચોઃ બેડ ઉપલબ્ધતા હેલ્પ લાઇનને લઈ સુરત મનપાનો પોકળ દાવો ETV Bharatએ કર્યો પર્દાફાશ
હેલ્પલાઇન બની શોભાના ગાંઠિયા સમાન
દેશ અને રાજ્યમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની હાલત કફોડી બની રહી છે ત્યારે કોરોના દર્દીઓને દાખલ થવા કઈ હોસ્પિટલમાં ક્યાં પ્રકારના બેડ ખાલી છે તે માટે નોડલ ઓફિસરનો નંબર અને હોસ્પિટલનો હેલ્પલાઇન નંબર મૂકવામાં આવ્યો છે. જોકે અમદવાદ શહેરની મોટાભાગની હોસ્પિટલના હેલ્પલાઇન નંબર બંધ અવસ્થામાં જોવા મળ્યા તો કેટલીક હોસ્પિટલના નોડલ ઓફિસરના ઉડાઉ જવાબ મળ્યા હતા.
એક સરકારી હોસ્પિટલને કોલ કરાયો
એક સરકારી હોસ્પિટલને જયારે ફોન કરવામાં આવ્યો ત્યારે શરૂઆતમાં તેમનો ફોન લાગ્યો ન હતો. બીજી તરફ ETV Bharatના સંવાદદાતા દ્વારા હોસ્પિટલની વેબસાઈટ પરથી સંપર્ક નંબર લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે નંબર પર જયારે ફોન કર્યો ત્યારે બન્ને ફોન નંબર લાગ્યા નહી. AMCની વેબસાઈટ પરથી હોસ્પિટલના જવાબદાર અધિકારીનો નંબર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમને ફોન કરી બેડ ખાલી છે કે નહી તે અંગે માહિતી મેળવવા મોબાઈલ નંબર મળ્યો જોકે તેમને પણ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.
અન્ય એક સરકારી હોસ્પિટલને કોલ કરાયો
અન્ય એક સરકારી હોસ્પિટલને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે હેલ્પલાઇન નંબર પર શરૂઆતમાં માત્ર દાખલ દર્દીની માહિતી હોવાનું જણાવવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમને અન્ય નંબર પર માહિતી મેળવાનું કહ્યું ત્યારે ETV Bharatના સંવાદદાતાએ અન્ય નંબર પર ફોન કરી માહિતી આપી જણાવ્યું કે દર્દીનું ઓક્સિજન ખુબ જ ઓછુ છે ત્યારે તેમણએ જણાવ્યું કે હાલ એક પણ ICU બેડ ખાલી નથી. દર્દીને હોસ્પિટલ લઈને આવી જાવ. યોગ્ય ડોક્ટર તેમને તપાસ કર્યા બાદ તબિયત નાજૂક હશે તો તુરંત દાખલ કરી સારવાર શરુ કરવાનું આયોજન કરી આપશે.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણથી મૃત્યુઆંકમાં વધારો, સ્મશાની શું છે સ્થિતિ જાણો Etv Bharatનું રિયાલીટી ચેક