ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા - entry of Trinamool Congress in Gujarat politics

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસદુદ્દિન ઓવૈસીની AIMIM, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની એન્ટ્રી થઈ છે. આજે બુધવારે મમતા બેનર્જીએ તૃણમૂલના ગુજરાતના કાર્યકરો સાથે અમદાવાદમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જો કે ગણ્યા-ગાંઠ્યા કાર્યકરો જ આ સંબોધનમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી અગાઉ જ 2022ની ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર લડવાની જાહેરાત કરી ચુકી છે. ત્યારે અન્ય પક્ષો પણ ભાજપની વોટબેંક તોડે તેવી પૂરી શકયતા છે.

ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા

By

Published : Jul 21, 2021, 10:39 PM IST

  • ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની એન્ટ્રી
  • તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ ગુજરાતમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું
  • 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બનશે રસપ્રદ

અમદાવાદ : મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વાપરેલ સામ, દામ, દંડ અને ભેદની નીતિ સામે સફળતા મેળવી છે. ત્યારે હવે તેમનો આત્મવિશ્વાસ સાતમે આસમાને છે. તેમણે હોવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ સામે પડવાનું નક્કી કર્યું છે. તેઓ ભાજપના ગઢના કાંગરા ખેરવવા આતુર હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મજબૂત સંગઠન ઉભું કરવું તે મોટો પડકાર છે.

ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા

આ રાજકીય રિવેન્જ છે : હરેશ ઝાલા

રાજકીય તજજ્ઞ હરીશ ઝાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં તૃણમૂલ કોંગ્રેસના ગુજરાત આગમન ઉપર જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હવે પોતાની વોટબેંક સવર્ણો પરથી શિફ્ટ કરીને ઓબીસી, એસસી, એસટી પર લઈ જઈ રહી છે. કોંગ્રેસની મુસ્લિમ વોટબેંક AIMIM તોડશે અને પાટીદારના વોટ આમ આદમી પાર્ટી લઇ જાય તો તેમની જીત સલામત રહે. વળી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં મમતા બેનર્જીને ફેંકેલા પડકારથી તેઓ ગુજરાતમાં બદલો લેતા હોય તેમ લાગી રહ્યું છે. તેઓ ભાજપને તેના ગઢમાં પરેશાન કરશે. બની શકે કે, તૃણમૂલનો એક પણ ઉમેદવાર ગુજરાત વિધાનસભામાં ન પહોંચે. પરંતુ ભાજપથી નારાજ લોકોને પોતાની તરફ કરી શકે. હવે 2022 ની ચૂંટણી મલ્ટી પાર્ટી બનશે.

ગુજરાતની જનતા 'વિકાસ' સાથે : યમલ વ્યાસ

ભાજપના પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે તૃણમૂલ કોંગ્રેસની ગુજરાત એન્ટ્રી પર જણાવ્યું હતું કે, રાજનીતિમાં કોઈપણ પાર્ટી અહીં આવી શકે છે. ગુજરાતના વિકાસને પશ્ચિમ બંગાળ સાથે સરખાવી જુઓ. અગાઉ 2007, 2012 અને 2017 ની વિધાનસભાની ચૂંટણીઓમાં અનેક પાર્ટી અને બહારના મુખ્યપ્રધાનો ગુજરાતમાં ચૂંટણીમાં ઝંપલાવવા અને સભાઓ ગર્જવા આવ્યા પણ કોઈ ફાવ્યું નહીં.

ગુજરાતની જનતા કેન્દ્રની પાર્ટીઓ સાથે : જયરાજસિંહ પરમાર

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકશાહી દેશમાં કોઈપણ પાર્ટી દેશના કોઈપણ ભાગમાંથી પણ ચૂંટણી લડી શકે છે. પરંતુ ગુજરાતની જનતા હમેશા કેન્દ્રમાં સરકાર બનાવતી રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે રહી છે. આ પહેલા પણ અનેક પાર્ટીઓ ગુજરાતમાં આવી છે. પરંતુ ગુજરાતની જનતાએ તેમને જાકારો આપ્યો છે.

અમે તૃણમૂલને આવકારીએ છીએ : તુલી બેનર્જી

આમ આદમી પાર્ટીના સ્ટેટ મીડિયા ઇન્ચાર્જ તુલી બેનર્જીએ ETV Bharatને જણાવ્યું હતું કે, લોકતંત્રમાં પહેલાથી એસ્ટેબ્લીશ પાર્ટી સામે અવાજ ઉઠાવવો તે જરૂરી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં તે કાર્ય કરી રહી છે. બીજી પણ પાર્ટીઓ તેમ કરવા માગતી હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details