- “રોટેશન પ્લાસ્ટી સર્જરી” હાથ ધરાઇ
- ગરીબ દર્દીઓને 8-10 લાખની સારવાર વિના મૂલ્યે પ્રાપ્ત થઇ
- જટીલ સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી : ડૉ. શશાંક પંડ્યા
અમદાવાદઃ સિવિલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ દ્વારા કોરોનાકાળમાં કોરોનાની સાથે સાથે નોન કોવિડ કેન્સરના દર્દીઓની શ્રેષ્ઠ સારવારના ઉત્તમ ઉદાહરણ સામે આવ્યા છે. તાજેતરમાં દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો, ત્યારે સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડીંગને પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા માટે કાર્યરત કરાવવામાં આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની સાથે-સાથે કેન્સર હોસ્પિટલના તબીબોએ અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતા પૂર્વક પાર પાડીને પોતાની તબીબી કુશળતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
રોટેશન પ્લાસ્ટી સર્જરી કરવામાં આવશે
સમગ્ર ભારતભરમાં જૂજ હોસ્પિટલમાં જ થતી “રોટેશન પ્લાસ્ટી” સર્જરી કેન્સર હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે અલગ-અલગ દર્દીઓ પર હાથ ધરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં 8થી 10 લાખના ખર્ચે થતી આ પ્રકારની જટીલ સર્જરીને ગુજરાત સરકારની કાર્યરત વિવિધ યોજના હેઠળ બંને દર્દીઓને નિઃશુલ્ક કરવામાં આવી છે. કેન્સર હોસ્પિટલમાં રાજસ્થાનની 12 વર્ષીય દિકરી અસ્મિતા અને મધ્યપ્રદેશના 9 વર્ષીય અમિત પર રેર ગણાતી રોટેશન પ્લાસ્ટી નામની સર્જરી હાથ ધરવામાં આવી હતી.
હાડકામાં થયેલા કેન્સરની કરાઇ સારવાર
આ બંને દર્દીઓ હાડકાના કેન્સરના કારણે ઘણી તકલીફ અનુભવી રહ્યા હતા. તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહી હતી. રાજસ્થાનના દર્દી સુનિતાના પિતાનું કહેવું છે કે, હાડકામાં થયેલા કેન્સરના કારણે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાના તબીબોએ હાથ ઉંચા કરી દીધા હતા. ત્યાંના તબીબોએ તેમની દિકરીની બચી શકવાની સંભાવના પણ નહીવત બતાવતા તેમના પરિવારમાં ગમગીન વાતાવરણ છવાઇ ગયુ હતુ. ક્યાંય પણ આશાનું કિરણ નજર આવી રહ્યુ ન હતુ. એવામાં રાજસ્થાનના એક તબીબ દ્વારા અમને અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ થઇ શકશે. તે દિશા તરફ માર્ગ ચિંધવામાં આવ્યો હતો. અમે બીજા જ દિવસે અમારી દિકરીને લઇને કેન્સર હોસ્પિટલ આવી પહોચ્યા હતા. અહીંના ઓર્થોપેડિક ઓન્કોસર્જરી વિભાગમાં મારી દીકરીની સ્થિતિ બતાવતા ત્યાના તબીબો દ્વારા એમ.આર.આઇ, બાયોપ્સી જેવા રીપોર્ટ કરાવવામાં આવ્યા બાળકોને કેન્સર હોવાથી તેમને કીમો આપીને સ્વાસ્થયને લગતા પરિમાણો સામાન્ય કરવામાં આવ્યા હતા.