હાથરસ અને બલરામપુરની નિર્ભયાને ન્યાય માટે ગાંધીઆશ્રમથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ
2012ની દિલ્હીના નિર્ભયા રેપ અને હત્યા કેસ બાદ સતત દેશમાં દુષ્કર્મની સંખ્યાઓ વધતી જાય છે. 15 દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં અને બલરામપુરમાં દેશની બે દીકરીઓ ઉપર અસામાજિક તત્વોએ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી. દેશમાં દીકરીઓની સુરક્ષાને લઇને ફરીથી સવાલો ઉભા થયાં છે. 2012 જેવો માહોલ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. સામાજિક સંગઠનો અને જાગૃત નાગરિકો દ્વારા બંને દીકરીઓને તરત ન્યાય મળે તે માટે રેલીઓ અને દેખાવો યોજવામાં આવી રહ્યાં છે.
અમદાવાદઃ આવા જ એક દેખાવ જે અંતર્ગત અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને કલેકટર કચેરી સુધી સામાજિક સંગઠનોએ રેલી કાઢી હતી. આ રેલીમાં તેમણે ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારના વિરુદ્ધ નારા લગાવ્યાં હતાં. તેમણે પીડિતા દીકરીઓને તરત ન્યાય મળે તેવી માગ કરી હતી. તેમનું કહેવું હતું કે, સરકાર પોતાના બચાવ માટે પોલીસને આગળ કરી દે છે. ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને વ્યવસ્થા તંત્રના અધિકારીઓને બલિ ચડાવી દેવાયાં, પરંતુ ખરા ગુનેગાર તો શાસક ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાનો દીકરો છે. તેને બચાવવા માટે યોગી સરકાર દાવપેચ કરી રહી છે. યોગી સરકારને તરત બરખાસ્ત કરી દેવી જોઈએ. આ દીકરીઓ કોઈ જાતિ કે વર્ગની નહીં પરંતુ દેશની દીકરીઓ હતી.