ગુજરાત

gujarat

રાજ્યસભાની ચૂંટણી યોજાશે કે પછી ભાજપના બે ઉમેદવાર બિનહરીફ જીતી જશે

By

Published : Feb 13, 2021, 5:47 PM IST

Updated : Feb 13, 2021, 8:19 PM IST

રાજ્યસભા માટે ગુજરાતમાંથી બે બેઠક ખાલી પડી છે, તેની ચૂંટણી પહેલી માર્ચે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. જો કે, આ બન્ને ચૂંટણી માટે અલગ નોટિફિકેશન કરાયું છે. પરિણામે બન્ને સીટો ભાજપ જીતી જશે, એવું ગણિત છે. હાલ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહ્યું છે. પણ હાલ તો સવાલ થઈ રહ્યો છે કે ભાજપ રાજ્યસભાની ચૂંટણી માટે કયા ઉમેદવારને ઉભો રાખશે અને કોંગ્રેસ ચૂંટણી લડશે ખરાં? અને ધારોકે કોંગ્રેસ ઉમેદવાર ઉભો ન રાખે તો ચૂંટણી યોજાશે નહીં અને ભાજપના બે ઉમેદવાર બિનહરીફ જાહેર થશે.

રાજ્યસભાની ચૂંટણી યોજાશે કે પછી ભાજપના બે ઉમેદવાર બિનહરિફ જીતી જશે
રાજ્યસભાની ચૂંટણી યોજાશે કે પછી ભાજપના બે ઉમેદવાર બિનહરિફ જીતી જશે

  • રાજ્યસભા માટે ગુજરાતમાંથી બે બેઠક ખાલી
  • 1 માર્ચે યોજાશે ચૂંટણી
  • દિનેશ ત્રિવેદી ગુજરાતમાંથી બને શકે છે સાંસદ
    રાજ્યસભાની ચૂંટણી યોજાશે કે પછી ભાજપના બે ઉમેદવાર બિનહરિફ જીતી જશે

અમદાવાદઃ રાજ્યસભાના બે સાંસદ ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલ બન્ને નેતાઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. અભય ભારદ્વાજ નવા નેતા હતા, પણ કોંગ્રેસના અહેમદ પટેલ ખૂબ જ સિનિયર નેતા હતા અને તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસમાં ખૂબ મોટો શૂન્યવકાશ સર્જાયો છે. આ બન્ને સાંસદના નિધનથી આ બે બેઠકો ખાલી પડી છે, જેની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો

આ અગાઉ 19 જૂન, 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણીમાં ચાર બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે 3 ઉમેદવાર અને કોંગ્રેસે 2 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જે વખતે ભાજપે રાજનીતિ કરી અને કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામાં આવ્યા હતા, જેને કારણે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન સમયે ભાજપના ત્રણ ઉમેદવારોની જીત થઈ હતી. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ જીતી ગયા અને ભરતસિંહ સોલંકી હારી ગયા હતા. આ તો તાજો જ દાખલો છે. દરેક વખતે રાજ્યસભાની ચૂંટણી આવે તે પહેલા રાજકીય ગરમાવો આવી જાય છે.

હાલ વિધાનસભામાં ભાજપ પાસે 111 અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો

19 જૂન,2020ની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ભાજપ 99 બેઠક જીતી હતી અને કોંગ્રેસ 77 બેઠક પર વિજયી બની હતી. આજની સ્થિતિ જોઈએ તો ભાજપ 111 બેઠક ધરાવે છે, અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો ઓછા થયા છે. હવે આ સ્થિતિ જોઈએ તો બન્ને ઉમેદવાર ભાજપના વિજયી બને અને અલગ નોટિફિકેશન હોવાથી તેમાં ભાજપ જ બાજી મારી જશે. આધારભૂત સુત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી એક જ થાય તેના માટે હાઈકોર્ટમાં જાય તેવી શક્યતા છે. વકીલોની સલાહ લેવાઈ રહી છે.

દિનેશ ત્રિવેદી

દિનેશ ત્રિવેદીનું રાજીનામું શું સૂચવે છે?

બીજી તરફ નવી દિલ્હી તરફ નજર કરીએ તો TMCના સિનિયર નેતા અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના ખૂબ નજીકના ગણાતાં સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાં શુક્રવારે જ રાજીનામું ધરી દીધું છે અને તેમણે રાજ્યસભામાં જ વ્યક્તવ્ય આપ્યું તેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે, મને હવે TMCમાં મુંઝારો થઈ રહ્યો છે. મારા પ્રદેશમાં ભષ્ટ્રાચાર અને તોફાનો થઈ રહ્યા છે, પણ હું કશું કરી શકતો નથી. જેથી હવે રાજીનામું આપવાનું બહેતર માનીશ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના વિકાસ માટે ક્રેડિટ આપી છે. જેથી એમ મનાઈ રહ્યું છે કે દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાઈ જશે અને ગુજરાત કવૉટામાંથી રાજ્યસભાના સાંસદ બને.

દિનેશ ત્રિવેદીનું ગુજરાત કનેક્શન

દિનેશ ત્રિવેદીનું ગુજરાત કનેક્શન પણ છે. દિનેશ ત્રિવેદી કચ્છના બિંદડા ગામના છે, તેઓ 1996માં કચ્છ લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ ભાજપના પુષ્પદાન ગઢવી સામે હારી ગયા હતા. હવે ગુજરાતમાંથી ભાજપના ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર બને તો 100 ટકા જીતી જશે.

મમતા બેનર્જીએ 24 કલાકમાં રેલવેપ્રધાન પદેથી રાજીનામું લઈ લીધું હતું

આ એજ દિનેશ ત્રિવેદી છે કે જેઓ યુપીએ-2 સરકારમાં રેલવે પ્રધાન હતા. વર્ષ 2012માં રેલવે બજેટ રજૂ કર્યું હતું અને બજેટમાં તેમણે રેલયાત્રી ભાડામાં વધારો કર્યો હતો. જેનાથી ખફા થઈને મમતાએ 24 કલાકમાં રાજીનામું લઈ લીધું હતું અને મુકુલ રોયને રેલવેપ્રધાન બનાવ્યા હતા. આવું થાય દિનેશ ત્રિવેદી સાથે ગુંગળામણ જ થાય ને. હવે તેમણે રાજ્યભામાં રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેવી વાતો વહેતી થઈ છે. ભાજપ તેમને ગુજરાતના રાજ્યસભાના સાંસદની ટિકિટ આપશે અને તેમની સિનિયોરિટીનો લાભ લેશે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV BHARAT ગુજરાત

Last Updated : Feb 13, 2021, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details