- રાજસ્થાન સરકારને ગુજરાતમાંથી 1 લાખ કરોડથી વધુના રોકાણની ખાતરી
- 41,590 કરોડના MOU અને 64,110 કરોડના LOU
- રાજસ્થાનમાં ગ્રીન એનર્જી સેકટરમાં રોકાણ કરવા રોકાણકારો આતૂર
અમદાવાદ:રાજ્યના વિકાસ માટે મૂડી રોકાણ લાવવું અત્યંત જરૂરી છે. આધુનિક સમયમાં દરેક રાજ્યો આ વાત જાણી ચૂક્યા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યો ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજીને પોતાના રાજ્યમાં મૂડી રોકાણ લાવવા પ્રયત્નશીલ છે. એ જ ક્રમમાં રાજસ્થાન સરકાર દ્વારા કોન્ફડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ગુજરાતમાં 'ઈન્વેસ્ટ રાજસ્થાન' (Invest Rajasthan) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાતમાંથી 1.05 લાખ કરોડના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ(MOU) અને લેટર ઓફ ઇન્ટેન્ટસ(LOU) સાઈન કરાયા છે.
રાજસ્થાનના ઉર્જા ક્ષેત્રમાં રસ
આ 1.05 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ્સ (Rajasthan Investment Commitments)માં 41,590 કરોડના MOU તથા 64,110 કરોડના LOI સાઈન થયા છે. જેમાં રિન્યુએબલ એનર્જી, સિટી ગેસ સપ્લાય, સિમેન્ટ ઉત્પાદન, લોજિસ્ટિક, ટુરિઝમ અને હોસ્પિટાલિટી વગેરે જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણની દરખાસ્તો થઈ છે. રાજસ્થાન સરકારે આ મૂડીરોકાણ દ્વારા રાજસ્થાનમાં એક લાખ નવા રોજગાર સર્જનનો અંદાજ મુક્યો છે.
પરવાનગીઓમાં અમલદારશાહી ઘટાડવાનો દાવો કરતી રાજસ્થાન સરકાર
રાજસ્થાનના આરોગ્ય અને એક્સાઈઝ પ્રધાન પ્રસાદીલાલ મીણાએ જણાવ્યું હતું કે, વિસ્તારની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી વિશાળ રાજ્ય છે. અહીં ખનિજ તથા અન્ય કુદરતી સંસાધનો ભરપૂર છે. રાજસ્થાન સરકાર દ્વારા રોકાણકારો સરળતાથી પોતાના પ્રોજેક્ટ લાવી શકે તે માટે અમલદારશાહી ઘટાડીને સરળ ઓનલાઈન પ્રક્રિયા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
જેસલમેરમાં 24 હજાર કરોડના ખર્ચે સોલાર પાર્ક બનશે
ગુજરાતમાંથી રાજસ્થાનમાં થવા જઇ રહેલા ઈન્વેસ્ટમેન્ટ (Rajasthan Investment Summit)માં જેસલમેરના ફતેહગઢમાં 24,000 કરોડનો સોલાર પાર્ક, જોધપુરના ફ્લોદી ખાતે 1,200 કરોડનો સોલાર પાવર ઉત્પાદન પ્રોજેકટ, જોધપુર, જેસલમેર અને બાડમેર ખાતે 8,200 કરોડના સોલાર પાવર પ્રોજેક્ટ અને અલવરમાં 5,000 કરોડના ખર્ચે સિટી ગેસ સપ્લાય પ્રોજેક્ટ સ્થાપનાની દરખાસ્ત આવી છે.