અમદાવાદઃ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પણ પડ્યા છે. આમ અમદાવાદવાસીઓને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં પારો 39 પાર જતા લોકો બફારાથી પરેશાન થઈ ગયા છે. ત્યારે જો આજે વરસાદ પડે તો લોકોને બફારાથી રાહત મળી શકે છે.