અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલો વરસાદ મંગળવારે પણ યથાવત્ રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વરસાદ લાવે તેવી બીજી એક સિસ્ટમ સક્રિય થઇ છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વિવિધ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે.
અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મંગળવારે શહેરમાં દિવસભર વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને સાંજે વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
રાજ્યમાં વરસાદની આગાહી, અન્ય એક વરસાદી સિસ્ટમ થઈ સક્રિય હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર રાજ્યમાં ચોમાસુ જોરદાર રીતે સક્રિય થઇ ચૂક્યું છે. જેની અસરને કારણે જ વરસાદી માહોલ જામી રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન પર સાઈક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. રાજ્ય પર અન્ય એક સિસ્ટમ સક્રિય થઇ છે, આમ આ બન્ને સિસ્ટમને કારણે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
આ સિસ્ટમને કારણે આગામી ત્રણ દિવસ સુધી મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી અને પાટણમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
બીજી તરફ પારો 31 ડિગ્રી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ વિશેષ રહેતા લોકોએ અસહ્ય બફારો સહન કરવો પડ્યો હતો. જો કે, વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.