અમદાવાદઃ વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જબલપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને પાર્ટીની ગરિમાને નુકસાન થાય એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. પાર્ટીની ગરિમાને નુકસાન પહોંચાડવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ મોકલવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તેઓ જુબાની આપવા માટે 10 ઓકટોબર, 2019ના રોજ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપી હતી, ત્યારે તેમણે આ આક્ષેપોને નકાર્યા હતા.
મધ્યપ્રદેશના જબલપુરમાં અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વખત સમન્સ પાઠવવામાં આવ્યાં હતા. પહેલા સમન્સની બજવણી ન થતાં મેટ્રો કોર્ટે બીજીવાર સમન્સ પાઠવી રાહુલને હાજર થવાનું ફરમાન કર્યું હતું.
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, ગત 24 એપ્રિલના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં આપાયેલા વિવાદાસ્પદ નિવેદનને સમગ્ર ભારતમાં પ્રસારીત કરવામાં આવ્યું હતું અને સ્થાનિક અખબારમાં પણ છાપવામાં આવ્યું હતું. તે માટે જ બદનક્ષીની ફરિયાદ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેને કોર્ટે માન્ય રાખતા રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું હતું. કોર્ટે અરજદારના વકીલને પુછ્યું કે, વિવાદાસ્પદ નિવેદન મધ્યપ્રદેશના જબલપુરમાં આપવામાં આવ્યું છે, ત્યારે કેસ અમદાવાદ કેમ દાખલ કરવામાં આવ્યો? જેના જવાબમાં અરજદારના વકીલે હતું કે, અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ ખાડિયા બેઠકથી ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યાં છે, જ્યારે ગુજરાતના મોટાભાગના સમાચાર પત્રો અને ચેનલ પર વિવાદાસ્પદ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું. જેમાં કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત શાહને 'હત્યાના આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વાહ ક્યા શાન હે' જેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કોર્ટે આ મામલે અરજદારને ભાજપ સાથે જોડાયેલા હોવાના પુરાવા રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક(ADC)માં ચલણી નોટો બદલી હોવાનો આક્ષેપ સાથે બેન્કના માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જુલાઇ, 2019માં અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં હાજર રહ્યા હતાં, જ્યાં તે સમયે કોર્ટે રાહુલ ગાંધીને રૂપિયા 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતાં. કોર્ટ કાર્યવાહી દરમિયાન મેટ્રો કોર્ટના જજના સવાલ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમના પર લાગેલા તમામ આરોપ ખોટા છે. ગત મુદતમાં થયેલી સુનાવણી દરમિયાન અમદાવાદ મેટ્રો કોર્ટમાં કોંગ્રેસના વકીલ પંકજ ચાંપાનેરી અને ઈકબાલ શેખ દ્વારા શુક્રવારે મેટ્રો કોર્ટમાં એક્ઝશન અરજી દાખલ કરવામાં આવી હતી. જેના કારણે, અરજદારના વકીલ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રાહુલના વકીલે એક્ઝશન અરજીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠકની વ્યસ્તતાનો હવાલો આપી હાજર ન રહેવા અંગે રજૂઆત કરી હતી. અરજદાર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટના વકીલ અજીતસિંહ જાડેજાએ એક્ઝશન અરજી સામે વાંધો ઉઠાવતા દલીલ કરી હતી કે, રાહુલ ગાંધીની ગેરહાજરી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું કારણ આપવામાં આવ્યું છે. ખરેખર આ બેઠક યોજાય છે કે કેમ, એ અંગે કોઈ જ પૂરાવા રજૂ કરવામાં આવ્યા નથી. મેટ્રો કોર્ટ મેજિસ્ટ્રેટ ડીએસ ડાભીએ બંને પક્ષની રજૂઆત બાદ કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલી એક્ઝશન અરજીને માન્ય રાખી વધુ સુનાવણી 11મી ઓક્ટોબરે નિયત કરી છે. આટલું જ નહીં કોંગ્રેસના વકીલ દ્વારા કેસના તમામ પેપરની કોપી અંગ્રેજીમાં પુરી પાડવાની માંગ પણ કોર્ટે માન્ય રાખી હતી. જો કે, પછી કોરોના વાઈરસ આવ્યો અને ત્યાર પછી લોકડાઉન આવી જતાં આ કેસની સુનાવણી થઈ શકી ન હતી.
હવે આ કેસમાં રાહુલ ગાંધી શનિવારે 17 ઓકટોબરે હાજર રહે છે કે કેમ? તે જાવું રહ્યું. ગત મુદત વખતે રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી, તેની સુનાવણી પણ કાલે શનિવારે થશે. જો કે, સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાહુલ ગાંધી કોર્ટમાં આવશે નહી. તેમના વતી વકીલ કેસની સુનાવણી કરશે.