અમદાવાદઃ શહેરના આનંદનગરમાં પણ એક વ્યક્તિએ ગુસ્સામાં આવીને માત્ર 46 દિવસના શ્વાનના ગલૂડિયાને દીવાલ પર પછાડીને ઘરની બહાર ફેંકી દીધું હતું. જો કે સારવાર દરમિયાન ગલૂડિયાંનું મોત થતા જીવદયા પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
માનવતા મરી પડી, ગુસ્સામાં આવી ગલૂડિયાને ભીત પર ફેંકતા માસૂમનું મોત, જીવદયા પ્રેમીએ નોંધાવી ફરિયાદ - અમદાવાદ
સમાજમાં કેટલાક લોકો એવા છે કે જે મૂંગા પશુઓની સેવા કરવાની તક ક્યારેય ચુકતા નથી. જ્યારે કેટલાક લોકો મૂંગા પશુઓ સાથે પણ ક્રૂરતાપૂર્વક અમાનવીય વર્તન કરતા હોય છે. કેટલાક મહિના અગાઉ રાણીપમાં શ્વાન ગાડી પર બેસી જતા યુવાનએ એરગનથી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પાંજરાપોળ જીવદયા ચેરીટેબલ સંસ્થામાં સેવા આપતા દેવેશ ત્રિવેદીએ પોલીસ ફરિયાદ કરી કે 12મી સપ્ટેમ્બરની મોડી સાંજે તેઓ પાંજરાપોળ એક રખડતા શ્વાનની સારવાર માટે ગયા હતા. તે સમયે એક વ્યક્તિ કારમાં તેના બે પુત્રો સાથે લેબ્રાડોર બ્રીડનું 45 દિવસનું ગલુડિયુ લઈને આવ્યો હતો. જેના 17 વર્ષના પુત્રએ કહ્યું કે, મારા પિતાએ ગુસ્સામાં શ્વાનને દીવાલ પર પછાળ્યું હતું અને ઘરની બહાર ફેંકી દીધું હતું. જેથી તેઓ સારવાર માટે તેને પાંજરાપોળ લઈ ને આવ્યા છે.
જો કે જે તે સમયે પાંજરાપોળમાં ડોકટર હાજર ના હોવાથી થલતેજ એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેને ફરિયાદી પોતાના ઘરે લઈ ગયા હતા. જો કે બીજે દિવસે પણ તેની સારવાર કરાવી હતી. જ્યારે 22મી સપ્ટેમ્બરએ ગલૂડિયાની તબિયત વધુ બગડતા તેને પાંજરાપોળ સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. જ્યાં ડોકટરએ તેનું ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ તેનું મોત થતા ફરિયાદીએ પિયુષ નાહર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.