અમદાવાદઃ GLS યુનિવર્સિટી બીબીએ, બીસીએ, લૉ, એમબીએ અને બી.કોમ જેવા સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચલાવે છે. ત્યારે GLS યુનિવર્સિટીના ક્લાર્કે કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી ફીની કડક ઉઘરાણી કરી હી. જે બાબતે ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. આ કારણોસર વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને કોંગ્રેસની યુવા પાંખ NSUI દ્વારા આજે સોમવારે GLS કેમ્પસમાં ફી માફીને લઈને દેખાવ કરવામાં આવ્યા હતા.
GLS યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિરોધ
- ફીની કડક ઉઘરાણી મામલે NSUIએ નોંધાવ્યો વિરોધ
- NSUI વિદ્યાર્થીઓના લાભ માટે આવ્યું આગળ
- GLS યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચલાવે છે
- GLS યુનિવર્સિટીએ CM રાહત ફંડમાં 51 લાખ રૂપિયાનું આપ્યું છે દાન
NSUI એ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી કોલેજ બંધ છે. વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા નથી. કોમ્પ્યુટર લેબ બંધ છે, પુસ્તકાલય બંધ છે, ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવામાં આવતી નથી. આ ઉપરાંત યુનિવર્સીટીના વર્ગખંડો બંધ હોવાથી લાઈટ બિલ પણ ખૂબ ઓછું આવતું હશે. તો પછી શા માટે GLS યુનિવર્સિટી દ્વારા ફીની કડક ઉઘરાણી કરાઈ રહી છે. જ્યાં સુધી શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પગાર ચૂકવવાની વાત છે, તો તેની ગણતરી કરીને તેટલી જ ફી યુનિવર્સિટી ઉઘરાવે.