- વડાપ્રધાને ગુજરાત ભાજપના દરેક પેજ કમિટીના સભ્ય માટે પત્ર પાઠવ્યો
- ગુજરાતમાં 58 લાખ પેજ કમિટીના સભ્યો સુધી વડાપ્રધાનનો પત્ર પહોંચશે
- કોઈ પણ પક્ષ માટે સમર્પિત કાર્યકરો જરૂરી: વડાપ્રધાન
અમદાવાદઃ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ અવિરતપણે દોડી રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન પણ પ્રભાવિત થયાં છે. આજે ગુરુવારે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારો રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થયાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમજ આગામી વિધાનસભા અને દરેક ચૂંટણીમાં વિજય થવાનું 'બ્રહ્માસ્ત્ર' તે પેજ કમિટી છે. તેવું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કહી ચૂક્યા છે.
શું છે પેજ કમિટી
આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પેજ કમિટીને લઈને એક કાર્યક્રમ યોજાયો હતો. જેનું સૌથી મહત્વનું કારણ એ છે કે, વડાપ્રધાને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીના પ્રોગ્રામથી પ્રભાવિત થઈને લખેલા પત્રને અનાવરણ કરવાનો હતો. પેજ કમિટી એટલે ચૂંટણીમાં દરેક બૂથ ઉપર ભાજપનો એક અધ્યક્ષ અને તે વોર્ડમાં સમાવિષ્ટ થતી વોટર યાદીમાંથી ભાજપના અન્ય 5 કાર્યકરો એમ 6 સભ્યોની કમિટી બનાવવામાં આવે છે. આમ તે દરેક વ્યક્તિ પોતાના પરિવારને પણ ભાજપ સાથે સાંકળે છે. એટલે કે, મોટાભાગના લોકો સીધા જ ભાજપ સાથે સંકળાય છે અને તે ભારતીય જનતા પાર્ટીને વોટ મળે તેવા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત આ સભ્યો ભારતીય જનતા પાર્ટીનો તે પેજ કમિટી અંતર્ગત આવતા વોર્ડ તેમજ બૂથમાં સમાવિષ્ટ થતા વોટરોમાં પ્રચાર પ્રસાર કરવાનો અને વોટિંગને લઈને જવાબદારી પણ નિભાવે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે પ્રદેશ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજ્યો
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગુજરાતના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત ગુજરાત સરકારના પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં વડાપ્રધાને પાઠવેલા પત્રને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટે વાંચી સંભળાવ્યો હતો.