- ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની પૂરજોશમાં તૈયારી
- નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે આરંભ
- અમૃત મહોત્સવની 06 જિલ્લાના સ્થળોએભવ્યાતિભવ્ય થશે ઉજવણી
અમદાવાદ: ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના 06 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને આઝાદીની લડતનું કેન્દ્રબિંદુ રહેલા અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે.
આ પણ વાંચો:દાંડી યાત્રાની 91મી જયંતિની નિમિત્તે અમદાવાદમાં ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરાઈ
સાબરમતી આશ્રમમાં ઉપસ્થિત રહેનાર ગુજરાતના મહાનુભાવો
આ પ્રસંગે સાબરમતી આશ્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલ, સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ, અમૃત મોદી અને ડૉ. સુદર્શન આયંગર ઉપસ્થિત રહેવાના છે.
386 કિ.મી. લાંબી દાંડીયાત્રા
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી 386 કિ.મીની પદયાત્રા વડાપ્રધાન કરાવવાના છે. આ દાંડીયાત્રાના માર્ગમાં આવતાં અને દેશની આઝાદી ચળવળમાં મહત્વના ચિરસ્મરણીય સ્થળો રાજકોટ, માંડવી(કચ્છ), પોરબંદર, વડોદરા, બારડોલી(સુરત) અને દાંડી(નવસારી)માં દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. ઉપરાંત સાંસ્કૃતિક-રંગારંગ કાર્યક્રમ, સાઈકલ-બાઈક રેલી, પદયાત્રાઓ, વૃક્ષારોપણ અને ક્રાફ્ટ બજાર સહિતના રચનાત્મક કાર્યક્રમો પણ યોજાશે.
આ પણ વાંચો:દાંડી યાત્રા સાથે જોડાયેલો છે રાણપુર શહેરનો ઇતિહાસ
રાજકોટમાં નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતમાં ઉજવાશે કાર્યક્રમ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પંકજ ભટ્ટ આઝાદીના અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. જૂનાગઢને નવાબના શાસનમાંથી આઝાદ કરાવવા સ્થપાયેલી આરઝી હુકૂમતે રાજકોટથી જ આઝાદ જૂનાગઢ ફૌજની ભરતી શરુ કરી હતી. રાજકોટનું આજનું સર્કિટ હાઉસ તત્કાલીન આરઝી હુકૂમતની વડી કચેરી બની હતી. રાજકોટની રાષ્ટ્રીય શાળામાં ગાંધીજીનું રોકાણ તથા ઢેબરભાઇ, રસિકભાઇ પરીખ અને મનુભાઇ પંચોળી જેવા સેનાનીઓઓ સંઘર્ષ આજે પણ રાજકોટવાસીઓ ભુલ્યા નથી. કસ્તુરબા ગાંધીના જીવનની સ્મૃતિઓ પણ રાજકોટ સાથે જોડાયેલી છે.
વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે ઉજવણી થશે
રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક અને તત્વચિંતક એવા મહર્ષિ અરવિંદ ઘોષની કર્મભૂમિ રહી છે. મહર્ષિ અરવિંદે છુપી રીતે ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય આંદોલનને પ્રેરણા આપી હતી. જેના પરિણામે વડોદરા રાજ્યમાં સ્વતંત્રતા માટેની પ્રવૃત્તિઓને મોકળાશ મળી હતી. વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.
બારડોલીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે
બારડોલીમાં સરદાર વલ્લભભાઈએ ખેડૂતો પર મહેસુલના વિરોધમાં સત્યાગ્રહ કરી અંગ્રેજોને ઝુકાવ્યા હતા. આ સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ‘સરદાર’થી ઓળખાયા હતા. બારડોલીની ચિરસ્મરણીય ભૂમિ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે.
તીર્થભૂમિ પોરબંદરના કીર્તિમંદિરે મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે
ગાંધી બાપુના જન્મસ્થળ તીર્થભૂમિ પોરબંદરમાં મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવ ઉજવાશે. દાંડી યાત્રાની વ્યવસ્થાપક ટુકડીમાં પોરબંદરના સ્વાતંત્ર્ય સેનાની નગીનદાસ મોદી જોડાયા હતા એટલે કે ગાંધી બાપુનું જન્મસ્થળ પણ દાંડીયાત્રાની સ્મૃતિ સાથે જોડાયેલું છે. દાંડીયાત્રાની વ્યવસ્થાપક ટુકડીમાં પોરબંદરના સ્વાતંત્ર્ય સેનાની નગીનદાસ મોદી જોડાયા હતા. આ ટૂકડી પદયાત્રીઓને રાત્રી રોકાણ, ભોજન, નાસ્તો વગેરે વ્યવસ્થાઓ પુરી પાડવા આગળ ચાલતી હતી. તીર્થભૂમિ પોરબંદરના કીર્તિમંદિરે મંત્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે કીર્તિ મંદિરથી ચોપાટી સુધી જુદા-જુદા રૂટ પર પદયાત્રા અને સાયકલ યાત્રાનું પણ આયોજન કરાયું છે.
નવસારીના દાંડીમાં ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે
દાંડીમાં ગાંધીજીએ મીઠાનો કાયદો અને અંગ્રેજોના અહંમને તોડ્યો હતો. જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા હતા. નવસારીની ઐતિહાસીક ભૂમિ પર દાંડી પ્રાર્થના મંદિર ખાતે સહકાર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહનવ્યવહાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્સવનો કાર્યક્રમ યોજાશે. ગાંધીજીએ દાંડી દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડી કહ્યું હતું: ‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપિ ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’ ગાંધીજીના આ મીઠાના સત્યાગ્રહથી અંગ્રેજી શાસનને મોટો ધક્કો લાગ્યો હતો.
માંડવીમાં વાસણ આહિરની ઉપસ્થિતિમાં ઉજવણી થશે
ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળ માંડવી ખાતે રાજ્યમંત્રી વાસણ આહિરની ઉપસ્થિતિમાં ઉજવણી થશે. શ્યામજી કૃષ્ણ વર્માએ જાહેર કરેલી શિષ્યવૃત્તિથી વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાળ, પી. એન. બાપટ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓને વિદેશમાં મદદ મળી હતી. તેઓએ દાદાભાઈ નવરોજી અને સરદારસિંહ રાણાની સહાયથી લંડનમાં 'ધ ઈન્ડિયન હોમરુલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.
અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય થશે ઉજવણી
આ 06 જિલ્લાના સ્થળો સહિત રાજ્યના કુલ 75 સ્થળોએ શુક્રવારે આઝાદીના અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થનારી છે. સ્થાનિક જિલ્લા અને તાલુકા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.