- પીએમ મોદી 28 નવેમ્બરે આવશે અમદાવાદ
- ઝાયડસના ચાંગોદર સ્થિત પ્લાન્ટની લેશે મુલાકાત
- 11 વાગ્યે પુણે જવા થશે રવાના
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે સવારે 9 વાગ્યે અમદાવાદ આવશે. અમદાવામાં આવી શહેરના ઝાયડસ કેડિલાના ચાંગોદર સ્થિત પ્લાન્ટની મુલાકાત લેશે. ઝાયડસ કેડિલા દ્વારા કોરોનાની વેક્સિનનું થર્ડ સ્ટેજનું હ્યુમન ટ્રાયલ થવા જઈ રહ્યું છે, તે વેક્સિનનું નિર્માણ કાર્ય અને તેની સફળતા અંગેનું નિરિક્ષણ કરશે.
ઝાયડસની ZyCoV-D વેક્સિનનો સેકન્ડ ટ્રાયલ પૂર્ણ
ઝાયડસ કેડિલા દ્વારા કોરોનાની વેક્સિન અંગે રીસર્ચનો પ્રારંભ કર્યો હતો. ઝાયડસ દ્વારા ZyCoV-D નામની વેક્સિન તૈયાર કરાઈ છે. જેનો ફેઝ-2 ટ્રાયલ પુરો કરવામાં આવ્યો છે. એક હજાર વોલેન્ટિયર્સ પરનો ડેટા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને આગામી સપ્તાહે પુરો પાડવામાં આવશે. આ પછી ZyCoV-D વેક્સિનને એપ્રુવલ મળશે. ત્યાર બાદ ક્લિનિકલ ટ્રાયલનો ત્રીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે. જેમાં 15 થી 20 હજાર લોકોને રસી આપવામાં આવશે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવેલી રસી મોટેભાગે એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થશે. આવી વિગતો જાણવા મળી રહ્યું છે.
PM મોદી અમદાવાદથી પુણે અને ત્યાર બાદ હૈદરાબાદ જશે
વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચશે, અહીં આવી સીધા ચાંગોદર સ્થિત ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લેશે. મુલાકાત બાદ પીએમ મોદી દ્વારા કોરોનાની વેક્સિન અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ શકે છે, તેવું પણ માનવામાં આવી રહ્યુ છે. તેઓ કોરોનાની વેક્સિનના રીસર્ચમાં જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરશે. તેમજ રિસર્ચમાં જોડાયેલા વૈજ્ઞાનિકોનો આભાર માનશે અને તેમના કાર્યને બિરદાવશે. મળતી માહિતી મુજબ અમદાવાદ કેડિલા ઝાયડ્સની મુલાકાત બાદ પીએમ મોદી 11 વાગ્યે પુણે જવા રવાના થશે. ત્યાર બાદ બપોરે 2 વાગ્યે પુણેથી હૈદરાબાદ જવા રવાના થશે.
11 વાગ્યે પુણે જવા થશે રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત બાદ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લેશે. આ ઈન્સ્ટિયુટ દ્વારા વૈશ્વિક ફાર્મા જાયન્ટ એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે કોવિડ-19 રસી માટે ભાગીદારી કરી છે.
પુણેથી રવાના થયા બાદ વડાપ્રધાન મોદી હૈદરાબાદ જશે
વડાપ્રધાન મોદી જિનોમ વેલીમાં ભારત બાયોટેકની સુવિધા પર જઈ મુલાકાત કરશે. ભારત બાયોટેક્સ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી કોવિડ-19 રસી કોવેક્સિન હવે ફેઝ-3 ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. જેની વડાપ્રધાન મોદી દ્વારા સમીક્ષા કરવામાં આવશે.