- 16 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આરોગ્ય કર્મીઓના કોવિડ વેક્સિનનો પ્રારંભ
- અમદાવાદ સિવિલ ખાતે તૈયારીઓ પૂર્ણ
- સ્ટ્રોંગ રૂમમાં રખાઈ છે કોવિડની વેક્સિન
અમદાવાદ : 16 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં આરોગ્ય કર્મીઓને કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશમાં ત્રણ કરોડ જેટલા આરોગ્ય કર્મીઓને કોરોના વાઇરસની સૌપ્રથમ રસી આપવામાં આવશે. જેમાં પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવાયેલ કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં પણ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશનને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના 7000 જેટલા કર્મીઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નવા ટ્રોમાં સેન્ટર ખાતે કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને 16 જાન્યુઆરીએ વેક્સિન આપવામાં આવશે. પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂ દ્વારા બનાવેલી રસી કોવિશિલ્ડ તેમને આપવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ સાત હજાર જેટલા આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ નિભાવે છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જે. પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જે આરોગ્ય કર્મીઓ રસી લેશે, તેમને અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જે બાદ તેમાની હેલ્થને લઈને સંપૂર્ણ ફોલોઅપ લેવામાં આવશે.