અમદાવાદઃ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી સિનેમા હોલ અને થિયેટર નિર્જીવ હાલતમાં પડેલા છે. અનલોકમાં મોટા ભાગના વેપાર ધંધા શરૂ થયા છે. પરંતુ મલ્ટિપ્લેક્સ માટે હજુ સરકારે લીલી ઝંડી આપી નથી. પરંતુ હવે આવનારા અનલોક 5માં જો સરકાર મલ્ટિપ્લેક્સને મંજૂરી આપે તો સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને થિયેટર ખોલવા માટે તૈયારી દર્શાવી છે.
અનલોક-5ઃ મલ્ટિપ્લેક્સ અને થિયેટરો ખુલે તેવી સંભાવના - કોરોનાવાઈરસ ન્યૂઝ
દેશભરમાં કોરોનાના કેસો વધતા 6 મહિના પહેલાં એટલે કે 16 માર્ચથી મલ્ટિપ્લેક્સ અને થિયેટરો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. લોકડાઉન અને અનલોક 4 બાદ પણ હજી મલ્ટિપ્લેક્સ અને થિયેટરો બંધ છે, ત્યારે આગામી અનલોક -5 માં મલ્ટિપ્લેક્સ અને થિયેટરો ખુલવાની સંભાવના છે.
કોરોના લોકડાઉનને કારણે છેલ્લા 6 મહિના દરમિયાન સંચાલકોને 600 કરોડ જેટલું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ 250 કરોડનું નુકસાન અમદાવાદ શહેરનાં મલ્ટિપ્લેક્સ અને થિયેટરોને થયું છે.
કેન્દ્ર સરકાર ગાઈડલાઈન્સ મુજબ મલ્ટિપ્લેક્સ થિયેટરો ખૂલવાની મંજૂરી આપે તો એમાં જૂના જમાનાની ક્લાસિક ફિલ્મસ જોવા મળશે. હાલ કરોડોનું નુકસાન ભોગવી રહેલા થિયેટર માલિકોને અક્ષયકુમારની ' સૂર્યવંશી ' અને 1983 ના વર્લ્ડકપ પર આધારિત ' 83 ' અને આમિર ખાનની ' લાલ સિંહ ચડ્ડા ' સહિત અંદાજે 12 મોટી ફિલ્મો એવી છે, જે સિનેમાઘરો ખૂલ્યાં બાદ રિલીઝ કરવામાં આવે તો તગડો નફો કરાવી શકે એવી આશા છે. ગુજરાતી ફિલ્મના નિર્માતાઓ પણ થિયેટર ખુલવાની રાહ જોઈ રહ્યા છે.
હાલ તો સંચાલકોના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળે અને અનલોક 5માં સરકાર મંજૂરી આપે તેવી આસ સેવીને બેઠા છે.