- ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે
- ગુજરાત સરકાર જે એક્ટ લાવી છે, તેને ચૂંટણીમાં એનકેશ કરાશે
- વસ્તી નિયંત્રણ ધારો કેટલો લાભ કરાવશે
અમદાવાદ : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત વસતી નિયંત્રણ કાયદો ઘડવાની હિલચાલ શરૂ કરી છે. ઉત્તરપ્રદેશના કાયદાનો અભ્યાસ કરીશું, અને પછી વસતી નિયંત્રણ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરીશું.
ઉત્તરપ્રદેશ જેવો જ કાયદો ગુજરાતમાં આવશે
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે વસતી નિયંત્રણ કાયદાનો ડ્રાફટ તૈયાર કર્યો છે, જે મુજબ 2 થી વધુ સંતાનો હોય તો સરકારી નોકરી નહી મળે. ઉપરાંત સબસીડી અને સરકારી સહાય પણ નહી મળે. ગુજરાત સરકાર પણ તે દિશામાં વિચારી રહી છે. અને તે પ્રમાણેની જોગવાઈઓ આ કાયદામાં મુકશે. તેનો સીધો લાભ ગુજરાતને થશે. વસતી વધારો રોકાશે તો સીધી રીતે ગુજરાત વધુ આર્થિક રીતે સમૃદ્ધ અને શિક્ષિત બનશે.
ગુજરાતમાં 2005થી વસતી નિયંત્રણ કાયદો લાગુ છે
2005માં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે તેઓ વસતી નિયંત્રણ કાયદો લાવ્યા હતા, અને અમલ પણ કરાવ્યો હતો. પંચાયત, પાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે કે તેથી વધુ બાળકો હોય તો ઉમેદવાર ચૂંટણી લડી શકતો નથી. અત્યારે માત્ર ચૂંટણી લડતા અટકાવી શકાય તેટલો જ પ્રતિબંધ છે. પરંતુ હવે જ્યારે ગુજરાત સરકાર નવો વસત નિયંત્રણ ધારો લાવે તો તેમાં સરકારી નોકરી, સરકારી યોજનાનો લાભ આપવાનું બંધ કરાશે. 2005માં જે વસતી નિયંત્રણ કાયદો લાવ્યા તેનો અમલ ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અમલી બનાવી શકાયો નથી. તે સિવાય કુંટુબ નિયોજન અને ‘અમે બે અમારા બે’ એવી ઝુંબેશ ચાલે છે.
ત્રિપલ તલાક
ગુજરાતમાં 2019માં ત્રિપલ તલાક કાયદો અમલી આવ્યો છે. તેમાં અત્યાર સુધીમાં કુલ 9 કેસ નોંધાયા છે. સુરતમાં 3, વાપીમાં 1, અમદાવાદમાં 1, વડોદરામાં 4 કેસ નોંધાયા છે. લોકસભા અને રાજ્યસભામાં પહેલા ત્રિપલ તલાક કાયદો બન્યો અને તે અમલી બન્યો છે. ત્યારથી ત્રિપલ તલાક કુપ્રથાનો અંત આવ્યો છે. મુસ્લિમ મહિલાઓની માંગ હતી, તે નરેન્દ્ર મોદીએ કરી બતાવ્યું છે, તેનો મુસ્લિમ બહેનોને આનંદ હતો. ત્રિપલ તલાક અંગે જાણકારી મળતાં ગુજરાતમાં હવે નવા કેસ ખૂબ ઓછા નોંધાઈ રહ્યા છે. અને આ કારણે મુસ્લિમ મહિલાઓ ભાજપથી ખુશે છે.
ટ્રિપલ તલાક કાયદાથી એક પણ મુસ્લિમ મહિલાને ફાયદો થયો તો તે સારી બાબત : મેહરુનીસ્સા દેસાઈ
કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ પહેલા લાવવામાં આવેલા ત્રિપલ તલાક કાયદા ઉપર બોલતા અમદાવાદ મુસ્લિમ મહિલા એસોસિયેશનના પ્રેસિડન્ટ મેહરુનીસ્સા દેસાઈએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ કાયદો આવ્યો ત્યારે એક માહોલ ઉભો થયો હતો કે, મુસ્લિમ મહિલાઓના જીવનમાં મોટાપાયે ફેરફાર થશે. પરંતુ તેવું થયું નહીં કારણ કે, ત્રિપલ તલાકના કેસોની સંખ્યા ખૂબ જ ઓછી છે. ખરેખર તો અમારી સંસ્થા દ્વારા જે કાઉન્સિલીંગ કરવામાં આવે છે, તેની અંદર ઘરેલુ હિંસા અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસ વધારે હોય છે. આ કાયદાને મુસ્લિમ સમાજે ખૂબ ઠંડો પ્રતિભાવ આપ્યો હતો. ખરેખર આ કાયદાનો હેતુ તે પોલિટિકલ લાભ લેવાનો હતો. તેમ છતાં પણ જો એક પણ મુસ્લિમ મહિલાને આ કાયદાથી ફાયદો થયો હોય તો આ કાયદો સારો જ છે.
દાંપત્ય જીવનને ફરીથી શરૂ કરવા કાયદો સ્પેસ આપે છે : અમન અનવર શેખ
હાઇકોર્ટના એડવોકેટ અમન અનવર શેખે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, મુસ્લીમ સમાજમાં અનેક ફાંટા અને ફિરકાઓ છે. તલાક અંગે તેમની માન્યતાઓ અને રીતો પણ અનેક પ્રકારની છે. પરંતુ તેમ છતાં ત્રણ વખત તલાક બોલવામાં ત્રણ મહિનાના સમયની પાબંધી આવી જવાથી મુસ્લિમ દંપતિઓને એક કુલિંગ પિરિયડ મળી રહે છે. જેથી આવા લોકો ફરીથી વિચારીને દાંપત્ય જીવન શરૂ કરી શકે છે.
લવજેહાદ
ગુજરાત સરકારે પહેલી એપ્રિલ, 2021ના રોજ લવજેહાદ કાયદો લાવીને વિધાનસભામાં પસાર કર્યો. તેનો અમલ 15 જૂનથી શરૂ થયો છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પછી ગુજરાતમાં લવજેહાદ બિલ લાવવામાં આવ્યું હતું. આ કાયદો અમલી બન્યા પછી અત્યાર સુધીમાં અંદાજે કુલ 13 કેસ નોંધાયા છે. આ કાયદા અંતગર્ત ગુનેગારને 3થી 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે, અને સાથે બે લાખ રૂપિયાથી વધુના દંડની જોગવાઈ છે.
લવ જેહાદ કાયદો ફક્ત પોલિટિકલ ફાયદા માટે : હેમંત શાહ
લવ જેહાદ કાયદા અંગે પ્રોફેસર હેમંત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ વિરોધી કાયદો છે. તેના ગણ્યાગાંઠ્યા કેસો જ અત્યાર સુધી પ્રકાશમાં આવ્યા છે. જ્યાં હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવવાનું હોય અને ટોર્ચર કરવામાં આવતું હોય, તે અંતર્ગત આ કાયદો કાર્ય કરે છે. જોકે આ તમામ કેસો કાનૂની કાર્યવાહી અંતર્ગત હોવાથી તેના કોઈ નિર્ણય હજી સુધી આવ્યો નથી. આ કાયદો બંને ધર્મના યુવાઓ વચ્ચે ખાઈ પેદા કરે છે. તમારે કોને પ્રેમ કરવો કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. પ્રેમ કે લગ્નની બાબત રાજ્ય નક્કી કરી શકે નહીં. તે બંધારણના વ્યક્તિ સ્વતંત્રતાના હક્ક પર તરાપ છે. પોલિટિકલ ફાયદો મેળવવા આ કાયદો બનાવવામાં આવ્યો છે. ગુજરાતના મુસ્લિમોની વસ્તી 08 ટકા જેટલી જ હશે. હિન્દુ યુવતીઓને મુસ્લિમ યુવાનોથી રક્ષણ મળશે તેવા બહાના હેઠળ આ કાયદો લવાયો છે. ખરેખર તો એવો ભ્રમ ફેલાવાય છે કે, મુસ્લિમ યુવાન હિન્દુ યુવતીને જોડે લગ્ન કરીને તેમને ટાર્ગેટ બનાવે છે. આ કાયદાથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં કોઈ ફાયદો થાય એવું લાગતું નથી. 2022 ના ડિસેમ્બર મહિનામાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ કાયદો હિન્દુઓને રક્ષણ મળશે તેવા ભ્રમ માટે લવાયો છે. ખરેખર તો લવ જેહાદની વ્યાખ્યા જ ખોટી છે. વળી ધર્મ પરિવર્તન માટે જ આંતરધર્મીય લગ્ન થતાં હોય તેમ તેમ માનવું ખોટું છે. હિન્દૂ-મુસ્લિમ યુવક યુવતી જ્યારે લગ્ન કરે તો તેમની અંદર મતભેદ થાય. ત્યારે પણ તેઓ છૂટા પડતા હોય છે. તે બાબત એક જ ધર્મના લગ્ન કરતા યુવાઓ પર પણ લાગુ પડે છે.
ધર્મ પરિવર્તન
ગુજરાતમાં 18 વર્ષ અગાઉથી આ કાયદો અમલી છે, અને વર્ષે સરેરાશ 200 લોકો ધર્મ પરિવર્તન કરતાં હોવાના આંકડા બહાર આવ્યા છે. 2019માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પુછાયેલ સવાલના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે ગુજરાતમાં ધર્મ પરિવર્તનની 94 ટકા અરજી હિન્દુઓની છે, જ્યારે મુસ્લિમોની 1.2 ટકા અરજી છે. ગુજરાત સરકારે 2008માં ધર્મ પરિવર્તન અંગે કાયદો ઘડ્યો હતો, જે મુજબ કોઈપણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવું હોય તો સરકારની પરવાનગી લેવી પડે છે. રાજ્ય સરકારે વિધાનસભમાં જવાબ આપ્યો હતો કે ગત બે વર્ષમાં 31મી મે, 2019 સુધી કુલ 911 લોકોએ અરજી કરી હતી, તેમાં 863 અરજી અલગઅલગ ધર્મોને અપનાવવા માટે હિન્દુઓએ કરી હતી. તેમજ અન્ય ધર્મમાં 36 મુસ્લિમો 11 ખ્રિસ્તીઓ, 1 ઈસ્લામી ખોજા અને 1 બૌદ્ધ ધર્મના છે. આમાંથી 689 લોકોને ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
જાણો શું કહે છે એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ ?
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઇન્ડિયન પીનલ કોડ કે જે વર્ષ 1960માં અમલમાં આવ્યો એ સમયે ધર્મ પરિવર્તન અંગેના કેસ એટલા મોટાપાયે સામે આવતા ન હતા. તેથી ઇન્ડિયન પીનલ કોડમાં ધર્મ પરિવર્તનને લઈ કોઈપણ જોગવાઈ કરવામાં નથી આવી. આ સામે જ્યારે ધર્મ પરિવર્તનના ગુના નોંધાતા હતા. ત્યારે ઇન્ડિયન પીનલ કોડની કલમ 363, 366 અને 367 અંતર્ગત નોંધાતા હતા. જેમાં 3 વર્ષથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી, પરંતુ તેની સામે વર્ષ 2021માં જ્યારે ધર્મ પરિવર્તનને લઇને રાજ્ય સરકારે કાયદો અમલમાં મૂક્યો છે. ત્યારે એવી વ્યક્તિ કે જેણે ધર્મ પરિવર્તન કરાવવાના ઉદ્દેશથી જ લગ્ન કર્યા છે. તે માટેની સજાની વિશેષ રીતે જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. આ કાયદા અંતર્ગત 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.