અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો વેપાર વધી રહ્યો છે, તેને નાથવા માટે અમદાવાદ શહેર પોલીસ અને CID ક્રાઇમ પણ એટલી જ સતર્ક બની છે. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા રાજા મહેતાની પોળમાં રિન્કી પિન્કી નામની દુકાન આવેલી છે, જે છેલ્લા કેટલાય સમયથી ડુપ્લીકેટ ઘડિયાળોનું વેચાણ કરી રહી હતી.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી CID ક્રાઇમે ડુપ્લીકેટ ઘડિયારનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા રાજા મહેતાની પોળની અંદર રિન્કી પિન્કી નામની દુકાનમાંથી CID ક્રાઇમ દ્વારા લાખો રૂપિયાની ડુપ્લીકેટ ઘડિયાળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કંપનીઓના નામે ડુપ્લીકેટ ઘડિયાળ બનાવી વેચાણ થતી હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
કંપનીના નામની આડમાં ડુપ્લીકેટ અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળ વેચવામાં આવી રહી હતી. જેની માહિતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને મળી હતી. ચોક્કસ બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસ દ્વારા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં કંપનીના નામે બનાવવામાં આવેલી ડુપ્લીકેટ ઘડિયાળો હાલ પોલીસે કબજે કરી છે.
મળતી માહિતી પ્રમાણે હાલ સીઆઇડી ક્રાઇમે દુકાનના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે, સ્થાનિક કાલુપુર પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મીઓની રહેમરાહે દુકાન માલિક છેલ્લા કેટલાય વર્ષોથી કંપનીના નામની આડમાં ડુપ્લીકેટ ઘડિયાળ, ચશ્મા અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા.