- અમદાવાદમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું
- અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા
- પોલીસે 7 યુવકોની ધરપકડ કરી
અમદાવાદઃ શહેરમાં વસ્ત્રાપુર પોલીસે ગેરકાયદે રીતે વિદેશી નાગરિકોને ઠગતા કોલસેન્ટરમાં રેડ કરી સાત યુવકોની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસ ચૂંટણી અનુસંધાને પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેઓને મોડી રાત્રે બાતમી મળી હતી કે, વસ્ત્રાપુર મોકા કેફની સામેના ભાગે આવેલા ક્રિષ્ના કોમ્પલેક્સમાં ત્રીજા માળે ઓફિસ ધરાવી સોરીન રાઠોડ નામનો યુવક કોલસેન્ટર ચલાવી અમેરિકાના નાગરિકોના ડેટા મેળવી તેઓની સાથે ઠગાઈ કરે છે. જેથી પોલીસે રેડ કરતા દુકાનમાં વિનીત ખુલ્લર નામનો યુવક મળી આવ્યો હતો અને પોતે આ કોલસેન્ટરમાં છેલ્લાં ચાર દિવસથી પ્યુન તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસે યુવકની પુછપરછ કરી
પોલીસે ઓફિસમાં પ્રવેશ કરતાં જ 6 યુવકો અલગ-અલગ કોમ્પ્યુટર તથા લેપટોપ પર બેસીને કામ કરતા જોવા મળ્યા હતા. પોલીસે યુવકને સોરીન રાઠોડ બાબતે પૂછતાં તેણે ઓફિસમાં એક કેબિનમાં બેઠેલા યુવકની સામે ઈશારો કર્યો હતો. જેથી પોલીસે કેબીનમાં જઈને યુવકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ સોરીન જયેશભાઈ રાઠોડ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તેનું લેપટોપ જોતા લેપટોપમાં પર અલગ-અલગ ફાઈલો જોવા મળી હતી, જેમાં એક ફાઈલમાં જુદી જુદી તારીખના અલગ અલગ પ્રકારના ખર્ચની વિગતો હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
બીજી સીટમાં અલગ-અલગ મોડથી અલગ અલગ વ્યક્તિઓ પાસે મંગાવેલા પેમેન્ટની વિગતો હતી અને ત્રીજી સીટમાં અલગ અલગ તારીખે અલગ અલગ મોડથી વ્યક્તિઓ પાસે પેમેન્ટ મંગાવ્યાની તેમજ કેશ મળ્યાની વિગતોનો હિસાબ હતો. તે વી.સી ડાયલ સોફ્ટવેર દ્વારા કોલ કરતો હોવાનું તેમજ ટેક્સ ડોક્યુમેન્ટને ડીલર નામની ફાઇલ લીંક દ્વારા કોલ બ્લાસ્ટ કરતો હતો. તેની પાસેથી એક્સેલની ફાઈલો મળી જેમાં અમેરિકન નાગરિકોના નામ, મેઈલ આઈડી સહિતનો ડેટા હતો. તેમજ વાતચીત કરવાની સ્ક્રિપ્ટ પોલીસને મળી આવી હતી. ત્યારે પોલીસે 7 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.