- તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી પર અને જૂલુસ પર પાબંધી
- દશામાની મૂર્તિના નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો
- મુસ્લિમ સમુદાયના લોકોને તાજીયાની ઉજવણી પોતાના ધર્મસ્થાન પર મૂકીને કરવી
અમદાવાદ: કોરોના મહામારીને લઈને તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી અને જૂલુસ પર પાબંધી મૂકવામાં આવી છે. ત્યારે આ વખતે તાજીયા, ગણેશચતુર્થી અને દશામાના તહેવાર પર પણ પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. દશામાની મૂર્તિના નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.
તાજીયા કમિટીના સહયોગથી લેવાયો નિર્ણય
અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ મોહરમ તાજીયા કમિટી અને પોલીસ બેઠક મળી હતી. જેમાં કોરોના મહામારીને ધ્યાનમાં લઇ આ વર્ષે 19 ઓગસ્ટના મહોરમના દિવસે તાજીયાનું જૂલુસ નહિ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો પોતાના ઘર અથવા મેદાનમાં તાજીયાની વિધિ કરી શકે છે, પરંતુ તેના જૂલુસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજીયાના જૂલુસમાં મોટી સંખ્યા લોકો જોડાતા હોય છે, જેના કારણે કોરોના વધવાની શક્યતા જોવાઈ રહી છે. તેના કારણે મોહરમ તાજીયા કમિટી પ્રમુખ પરવેઝ મોમીન અને ક્રાઇમ બ્રાન્ચ JCP પ્રેમ વીરસિંહ, સેક્ટર -1 JCP આર.વી.અન્સારી અને તમામ ઝોનના DCP સાથે બેઠક યોજીને નિર્ણય લેવામાં આવ્યો હતો.