- ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે કર્યો પર્દાફાશ
- બાયોડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ
- બંન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ
અમદાવાદ: રખિયાલ પોલીસની ગિરફતમા ઉભો નીરજ તિવારી અને રીતા તિવારી બન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ છે. ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતુ. જે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે. પકડાયેલા બંન્ને આરોપી કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા પોતાના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે.
બાયો ડીઝલ સસ્તા ભાવે જથ્થો આપવાના બહાને ઠગાઇ આચરતા
આ બોગસ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બાયો ડીઝલ સસ્તા ભાવે જથ્થો આપવાના બહાને ઠગાઇ આચરતા હતા. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરે ત્યાર બાદ પકડાયેલા આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતા હતા. બાયો ડીઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ન જાય તે માટે બાયો ડીઝલ જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વિડિયો પણ મોકલવામાં આવતો હતો. આ ઉપરાંત કોઈ આરોપી દ્વારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલ કંપની સરનામું લખ્યું હતુ. જેનાથી લોકો વિશ્વાસમાં આવી જાય અને બાયો ડીઝલની ખરીદી કરવા તૈયાર થઈ જાય.