- અમદાવાદ માં 10 દિવસ માં બીજો કિસ્સો સામે આવ્યો
- સાણંદ બાદ હવે શીલજના ગામનો કિસ્સો આવ્યો સામે
- કોરોના કેસ ઘટતા ગ્રામજનો પૂજા માટે એકઠા થયા હતા
અમદાવાદ: કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાતની પરિસ્થિતિ પણ સારી નથી. અમદાવાદ શહેર સહિત ગ્રામ્યના વિસ્તારોમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પોઝિટિવ કેસ ઓછા આવવાના કારણે અમદાવાદના શીલજ પાસે આવેલા પલોડિયા ગામના લોકો પૂજાવિધિ માટે ગામના બજારમાં ભેગા થયા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શીલજના પલોડિયા ગામનો વીડિયો વાયરલ
લોકોમાં કોરોનાના નામે અંધશ્રદ્ધા એવી ફેલાઈ ગઈ છે કે, લોકો વધુમાં વધુ ભીડ એકત્ર કરીને કોરોનાને આમંત્રણ આપે છે. આવી બીજી ઘટના છેલ્લા 10 દિવસમાં ફરી બની છે. અમદાવાદના શીલજમાં આવેલા પલોડિયા ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા નીકળી હતી. જેમાં વિધિ દરમિયાન એકપણ મહિલાએ માસ્ક સુદ્ધા પહેર્યું ન હતું. જ્યારે આ વાયરલ વીડિયોમાં ગામમાં બાળકો અને પુરુષો પણ એકઠા થયા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વીડિયો ગઈકાલનો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો -ધર્મ ગમે તે હોય પણ માણસો ક્યાં સુધરે છે!
સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 'મારું ગામ, કોરોના મુક્ત ગામ'નું અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે જ અમદાવાદના શીલજના પલોડિયા ગામમાં જે રીતે મહિલાઓ, બાળકો અને પુરૂષોએ ભેગા થઈને ધાર્મિક પૂજાવિધિ કરવા માટે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે. ઘટના સામે આવતા સાંતેજ પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે 10થી 12 લોકો વિરુદ્ધ જાહેરનામાનો ભંગ અને એપેડેમિક એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગામના સરપંચ સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
સાણંદ તાલુકામાં પણ બળિયાદેવને રીઝવવા થઈ હતી મહિલાઓ એકત્ર
અમદાવાદના સાણંદ તાલુકાના નવપુરા અને નિદ્રા ગામ ખાતે લોકોમાં અફવા ઉડી હતી કે કોરોના એ બળીયાદેવ મહારાજનો પ્રકોપ છે. જેના કારણે ગ્રામજનોએ મંદિર ખાતે એકઠા થઈને માનતા માની હોવાની ઘટના સામે આવી હતી. લોકોએ સરઘસ કાઢ્યું અને આ મહિલાઓએ માથે બેડા લઈને બળીયાદેવ મહારાજને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ સરઘસમાં પણ કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લઘન જોવા મળ્યું, ન કોઇએ માસ્ક પહેર્યું, ના સોશિયલ ડિસ્ટન્સ જળવાયો. જોવા મળ્યો અવિરત માનવમહેરાણ. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ગામના સરપંચ, DJ સંચાલક અને આગેવાનો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો -ડભોડાના રાયપૂર ગામે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા ગુનો નોંધાયો, 46ની અટકાયત
રાયપુરમાં સરઘસ કાઢતા 46 લોકોની કરાઈ હતી અટકાયત
સાણંદ જેવો જ કિસ્સો ગાંધીનગરના રાયપુર ગામમાં બન્યો.જેમાં ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ઢોલ, નગારા સાથે બળિયાદેવના મંદિરે પહોંચ્યા હતાં. આ સભામાં પણ કોરોના ગાઇડ લાઇનનો ફજેતો જ જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે ગુન્હો દાખલ કરીને 46 લોકોની અટકાયત કરી. DySp એમ. કે. રાણાએ જણાવ્યું કે, વીડિયો દ્વારા પોલીસે લોકોની ઓળખ કરીને તેમની પાસેથી માસ્ક ન પહેરવા અંગેનો દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
કચ્છમાં પણ મુસ્લિમ ધર્મગુરૂની અંતિમયાત્રામાં ઉમટ્યા હતા મોટી સંખ્યામાં લોકો
મુસ્લિમ સમાજનાં ઉત્થાન માટે સમગ્ર જીવન સર્મિપત કરી નાખનારા હજરત હાજી અહેમદશા બાવા બુખારી મુફ્તી-એ-કચ્છએ રવિવારે દુનિયાને અલવિદા કહી હતી. 97 વર્ષની જૈફ ઉંમરે કર્મભૂમિ માંડવી ખાતે તેમનો ઈન્તકાલ થતાં કચ્છમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારના સભ્યો દ્વારા લોકો વિનંતી કરવામાં આવી હતી કે કોરોનાને ધ્યાનમાં રાખીને દફનવિધિમાં ન જોડાય પણ લોકલાગણી એવી ઉમટી કે 300 થી 400 લોકોનો સમૂહ દફનવિધિમાં જોડાયો અને કોરોના ગાઇડલાઇનના છડે ચોક લીરા ઉડતા જોવા મળ્યા હતાં.