અમદાવાદ: પોલીસ કમિશ્નર કચેરીમાં અનેક લોકો પોતાની રજૂઆત લઈને આવે છે. ત્યારે હવે પોલીસકર્મીઓના પરિવાર જ હવે કમિશ્નર કચેરીએ પોતાની રજૂઆત લઈને પહોંચ્યા છે. કાગડાપીઠ પોલીસ લાઈનમાં છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના પરિવાર સાથે રહેતા પોલીસકર્મીઓને મકાન ખાલી કરાવવા આદેશ આપવામાં આવ્યો છે અને ત્યાં ઉચ્ચ અધિકારીઓ માટે નવા મકાન બનાવવાના છે.
અમદાવાદમાં પોલીસ લાઈનના મકાન ખાલી કરાવવાનું કહેતા પોલીસ પરિવાર રજૂઆત કરવા પહોંચ્યા કમિશ્નર કચેરીએ
સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીઓના 90 જેટલા મકાન પોલીસ લાઈનમાંથી ખાલી કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ પરિવાર પોલીસ કમિશ્નર કચેરી રજૂઆત લઈને પહોંચ્યા છે.
અચાનક જ પોલીસ લાઇન ખાલી કરવા નોટિસ આપવામાં આવતા પોલીસકર્મીઓ અને તેમના પરિવાર પર મોટી આફત આવી છે, કારણકે કોરોના અને વરસાદની સ્થિતિમાં નવું મકાન મળવું મુશ્કેલ છે. ત્યારે પોતાની રજૂઆત લઈને પોલીસ પરિવાર કમિશ્નર કચેરી પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આ પરિવારો દ્વારા તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અથવા અન્ય મકાન આપવામાં આવી તેવી માંગણી પોલીસ કમિશ્નરને કરવામાં આવી છે. જોવાની રહ્યું કે આ 90 મકાનમાં રહેતા લોકોને સરકાર કે ગૃહવિભાગ દ્વારા કોઈ મદદ મળશે કે પછી તેમને મકાન ખાલી કરવું પડશે.