અમદાવાદ : અમદાવાદમાં એક વેપારીનું અપહરણ કરતા (Ahmedabad Kidnapping Case) ચકચાર મચી છે. મોટેરામાં રહેતા વેપારીની ગાડીને ટક્કર મારી અકસ્માત કર્યા બાદ વેપારી કારમાંથી નીચે ઊતરતાં જ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. વેપારીનું કારમાં અપહરણ કરીને ગાંધીનગર હાઈવે પર લઈ ગયા હતા. ધમકી આપીને અપહરણ કરનારાઓએ વેપારીના ઘરે ફોન કરીને પત્ની પાસે 70 લાખથી વધુની ખંડણી માગી હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની ધરપકડ કરી લીધી અને અન્ય બે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર, કારતૂસ અને ગુનામાં વપરાયેલાં સાધનો પણ કબજે કર્યા છે.
વેપારીનું અપહરણ? -ચાંદખેડા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર મોટેરામાં વિસ્તારમાં અતુલ પટેલ પેટ્રોલ પંપ ધરાવે છે. બુધવારે સવારે અતુલ પટેલ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે સધી માતાના મંદિરે દર્શન કરવા માટે ઘરેથી પોતાની કારમાં નીકળ્યા હતા. મંદિર નજીક પહોંચવા આવ્યા એ સમયે એક કાર તેમની પાછળથી પૂરપાટ ઝડપે આવી હતી. તેઓ કંઈ સમજે એ પહેલાં અતુલ પટેલની કાર પાસે આવીને કાર એક દિશામાં દબાવી અકસ્માત કર્યો હતો. અકસ્માત થતાં અતુલ પટેલે તેમની કાર ઊભી રાખી નીચે ઊતર્યા હતા. આ સમયે અકસ્માત કરનાર કારમાં આવેલા ચાર શખ્સ પણ નીચે આવ્યા, કેમ અકસ્માત કર્યો એમ કહી અતુલ પટેલનું કારમાં અપહરણ કરી લીધું હતું. અતુલ પટેલ કંઈ સમજે એ પહેલાં જ ચાર શખ્સોએ જબરદસ્તી કરીને કારમાં બેસાડી ગાંધીનગર તરફ નીકળી ગયા હતા.
આ પણ વાંચો :અમદાવાદમાં નકલી પોલીસના નામે તોડબાજીનો ખેલ, પાંચ આરોપી ઝડપાયા