ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રીમ પ્રોજેક્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે દેશના પ્રથમ સી પ્લેન રુટનું પ્રસ્થાન, 31 ઓક્ટોબરે અમદાવાદથી જશે કેવડીયા - kevadia colony dam

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે, જે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત ઘણું બધું કહી જાય છે. વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિએ કેવડિયા કૉલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ રાષ્ટ્રીય એકતા યાત્રા નિમિત્તે જવાના છે. ત્યાં યોજાનારી પરેડમાં સ્વાભાવિક જ કોરોના મહામારીને જોતાં ખૂબ જ મર્યાદિત ઉપસ્થિતોની હાજરી હશે.

project of sea plane
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

By

Published : Oct 10, 2020, 10:13 PM IST

અમદાવાદ: સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓકટોબરે અમદાવાદ આવી શકે છે. રાત્રિ રોકાણ ગાંધીનગર રાજ્યપાલ ભવનમાં કરશે. 17 સપ્ટેમ્બરે તેઓ આવી શક્યાં નથી તો બની શકે તેઓ માતા હીરાબાના આર્શીવાદ લેવા જઈ શકે છે. 31 ઓકટોબરે સવારે અમદાવાદના રિવરફ્રન્ટથી તેઓ સી- પ્લેન દ્વારા કેવડિયા કોલોની જશે અને રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે.

આ મુલાકાતનું બીજું પાસું પણ છે જે કદાચ વધુ અગત્યનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને કારણે રાજકીય ફાયદો થવાનું ગણિત ભાજપ ગણી રહ્યો છે.


અલબત્ત કોરોનાને કારણે વડાપ્રધાન મોદી ચૂંટણી સભા સંબોધે તેવી સંભાવના નથી દેખાઈ રહી. વળી, વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ મુદ્દે પીએમઓ કાર્યાલય તરફથી પણ આ અહેવાલ લખાય છે ત્યાં સુધી હજી કોઈ સત્તાવાર રીતે જાણકારી અપાઈ નથી. પણ ગુજરાત પ્રવાસ મુદ્દે ગાંધીનગરમાં 9 ઓકટોબરને શુક્રવારે ગૃહવિભાગના સચિવો અને અધિકારીઓ તથા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમ જ સીઆરપીએફ ઓફિશિયલની એક બેઠક મળી હતી, જેમાં પીએમ મોદીના સંભવિત પ્રોગ્રામને લઈને તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી અને ચર્ચા કરાઈ હતી.

પ્લેન રુટ
  • અમદાવાદમાં સી પ્લેન પ્રોજેક્ટને આખરી ઓપ

અમદાવાદમાં સાબરમતી નદી આ સી પ્લેન પ્રોજેક્ટમાં ખૂબ જ મહત્ત્વનું સ્થળ બની રહેવાની છે. ત્યારે વાસણા બેરેજ તરફના નદીના છેડે આંબેડકર બ્રિજ પાસે સી પ્લેન ઊતારવાની તડામાર તૈયારીઓ દેખતાં જ બને છે.

પુલ પરથી આવતાંજતાં શહેરીજન કૂતુહલવશ આ પ્રોજેક્ટ સાઈટ પર ઝાંખી કરી લેવાનો આનંદ હાલમાં માણી રહ્યાં છે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોનો થનગનાટ તો કંઇક જુદો જ છે. કોરોનાકાળની સુસ્તીમાં પડેલું તંત્ર ઝપાટાભેર સાબરમતીમાં બની રહેલાં એરોડ્રોમ સ્પોટના સૌદર્યીકરણ પર પણ નજર રાખવામાં વ્યસ્ત બન્યું છે. સી પ્લેનની જેટી જ્યાં બનાવાઈ છે તે આંબેડકર બ્રિજને પણ રંગરોગાન કરવામાં આવી રહ્યાં છે અને પાલિકાના બાયોડાયવર્સિટી પાર્કને પણ શણગારવામાં આવી રહ્યો છે. સી પ્લેન પ્રોજેક્ટમાં લેટેસ્ટમાં જણાવીએ તો સી પ્લેનના પાયલોટ ટેકઓફ અને લેન્ડિંગ માટે ચોક્કસ સ્થાન દેખી શકે તે માટે ખાસ નિશાન બની રહ્યાં છે.

એક પ્રકારના તરતાં માર્કર સ્પોટ જેને બોયાં કહીએ છીએ તે જોઇને પાયલોટ નક્કી કરી શકે છે કે અહીં ઊતરાણ કરવાનું છે, તેની પણ વ્યવસ્થા થઈ છે.

સી પ્લેન પ્રોજેક્ટને આખરી ઓપ
અમદાવાદવાસીઓ માટે તો છે જ સાથે દેશવાસીઓ માટે પણ સી પ્લેન પ્રોજેક્ટ ઉત્સુકતાનું કારણ છે. કેમ તે દેશમાં પહેલીવાર સી પ્લેન સર્વિસીસ 31 ઓક્ટોબરથી શરુ થવા જઇ રહી છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગુજરાતમાં સી પ્લેન માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ ડેમ, ધરોઇ ડેમ અને તાપી નદીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.
  • સી પ્લેન પ્રોજેક્ટ વિશે જાણવા જેવું

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરથી શરૂ થનારી આ સેવા સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રથમ ટ્રીપ હશે. તેના બે સી પ્લેન કેનેડાથી ભારત આવી રહ્યાં છે.

જે 20મી ઓક્ટોબર સુધીમાં આવી પહોંચશે. 18 સીટરના સી પ્લેન સાથે બે પાયલટ સાથે બે ક્રૂ મેમ્બર્સ પણ હશે, જેઓ અહીં છ મહિના રોકાશે અને ભારતીય પાયલટોને સી પ્લેન ઉડાડતાં શીખવશે. સી પ્લેન સેવાનો હેતુ વડાપ્રધાન મોદીએ પૂર્વે જણાવેલું છે તેમ વધુ લાભ ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. જેમાં વોટર વેઝ ડેવલપ કરવાના ભાગરુપે સી પ્લેન પ્રોજેક્ટ અમલમાં આવી રહ્યો છે.

બાય રોડ જો અમદાવાદથી કેવડીયા કોલોની નર્મદા ડેમ જતાં હો તો સ્વાભાવિકપણે પાંચેક કલાક નીકળી જાય. ત્યારે સી પ્લેન સેવાનો લાભ લઇને જાવ તો 220 કિલોમીટરનું અંતર ફક્ત 45 મીનિટમાં પાર પડી જશે.

સી પ્લેન પ્રોજેક્ટને આખરી ઓપ

18 સીટર વિમાનમાં સી પ્લેનની પ્રવાસીઓને લઇ જવાની ક્ષમતા 14ની રહેશે અને સવારે 8 વાગે પહેલી ફ્લાઈટ ઉપાડવામાં આવશે.

શરુઆતના તબક્કામાં સી પ્લેન સર્વિસીસ નોનશિડ્યૂલ ફ્લાઈટ તરીકે ચલાવાશે. જો કે, પ્રવાસીઓ આ સેવાને સારો પ્રતિસાદ આપશે તો એકાદ વર્ષમાં શિડ્યૂલ ફ્લાઈટ કરી દેવાશે.

સી પ્લેન સર્વિસીસની આ યોજના તેની શરુઆતે 31 ઓક્ટોબરે રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધીના રુટ પર થઈ રહી છે.

બાદમાં, 2021ની શરૂઆતમાં બીજો રુટ પણ શરુ કરવાનું આયોજન છે. આ બીજો રુટ રિવરફ્રન્ટથી ભાવનગરના શેત્રુંજી ડેમ સુધીનો હશે. આ રુટની મંજૂરી પણ આપી દેવાઈ છે.

જ્યારે સી પ્લેન સર્વિસીસનો ત્રીજો રુટ પણ છે તે છે અમદાવાદથી ધરોઇ ડેમ. તે પણ 2022માં શરુ કરવાનું પેપરવર્ક ચાલી રહ્યું છે.

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક એવો આ પ્રોજેક્ટ પણ છે ત્યારે ઘણાં લાંબા સમયથી તેને વાસ્તવિકરુપમાં સાકાર કરવાનો પાયો નંખાયેલો હતો.

આમ તો આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રૂટ પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં 4 ગુજરાતમાં છે.

  • સી પ્લેન પ્રોજેક્ટ છે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજ્ક્ટમાંનો એક

આ પ્રોજેક્ટમાંનો બીજો રુટ પાલીતાણાના શેત્રુંજય ડેમ સુધી પણ અમદાવાદથી સી પ્લેન ઉડવાનું છે. 250 કિમીનું અંતર કાપતી આ સેવામાં પ્રોજેક્ટમેપ પ્રમાણેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બંને સાઇટ પર જેટી ઉભી કરવામાં આવશે અને આગળ અન્ય કામો ઝડપથી પૂરા કરવામાં આવનાર છે.

ધાર્મિક માન્યતા ધરાવતાં સ્થળો પરથી કનેક્ટિવિટી સારી રહેશે તેવી ગણતરી મૂકાઈ છે, ગુજરાત ઉપરાંત વોટરવેઝ સર્વિસીસ માટે સરકારે જે સ્થળોની પસંદગી કરી છે, તેમાં ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને આસામનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ-કેવડીયા રુટની જેમ જ પહેલા તબક્કામાં ચિલ્કા લેક પર પણ કામ થઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશના પ્રવાસનક્ષેત્રને અલગ નજરાણું બનનાર આ પ્રોજેક્ટ વિશે વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ડીસેમ્બર, 2017ના રોજ ગુજરાતવાસીઓને સીપ્લેનનું સપનું સાકાર બની શકે છે, તેની પ્રતીતિ કરાવી હતી. આ દિવસે તેઓ અમદાવાદની સાબરમતી નદીના કિનારેથી સી પ્લેનમાં બેસીને મહેસાણાના ધરોઇ ડેમ ઊતર્યાં હતાં અને ત્યાંથી મા અંબાના દર્શન કરવા અંબાજી ગયાં હતાં. ત્યારે જ તેમણે કહી દીધું હતું કે, સાબરમતીમાં આગામી દિવસોમાં પણ સી પ્લેન દ્વારા ઊતરશે. વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહની આ પ્રોજેક્ટમાં મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તો રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગના સચીવ એસ જે હૈદર પણ આ પ્રોજેક્ટમાં મહત્ત્વનો રોલ નીભાવી રહ્યાં છે. અમદાવાદ અને ભાવનગરના એરપોર્ટ ડાયરેક્ટરને પણ નર્મદા ડેમ, સાબરમતી નદી, ધરોઇ ડેમ અને શેત્રુંજય ડેમ ખાતે વોટર એરોડ્રોમ બનાવવાની જવાબદારીમાં શામેલ કરાયાં છે.

સી પ્લેન આપણાં માટે સાવ નવાઈની વાત હવે નથી રહી કારણ કે, બેત્રણ વર્ષથી આપણે તેની ચર્ચા મોદીના ડ્રીમ પ્રોજે્કટ તરીકે સાંભળતાં આવ્યાં છીએ. 31 ઓક્ટોબરથી જ્યારે સત્તાવાર
શરુ થવા જઈ રહ્યો છે ત્યારે તેની કેટલીક અગત્યની જાણકારી પણ ટૂંકમાં મેળવી લઇએ. અમદાવાદની સાબરમતી નદીમાં ભરાતાં નર્મદાના પાણીમાં સાંકળ દ્વારા જેટીને ચાતરફ બાંધી દેવાઈ છે, એટલે નદીમાં પાણી વધે કે ઘટે તો જેટીને જળસ્તર મુજબ ઉપરનીચે કરી શકાશે. સી પ્લન માટે પાણીની સપાટી પણ 6 ફૂટ હોવી જરુરી છે. સી પ્લેનને પાણીમાં લેન્ડ કરવા માટે લગભગ 900 મીટર જગ્યાની જરુર પડે છે. ડીજીસીએની માર્ગદર્શિકા પ્રમાણે વ્યાવસાયિક-કોમર્શિયલ એરલાઈન્સ શરુ કરવી હોય તો તેમાં બે એન્જીન ફરજિયાત છે. ચાર્ટર સર્વિસ હોય તો એક એન્જીન હોવું જરુરી છે. ટર્મિનલ બિલ્ડિંગ, પાર્કિંગ વગેરે માટે 2 એકરની જમીન જોઇએ. આ ઉપરાંત પણ જુદાંજુદાં વિભાગની કેટલીક મંજૂરીઓ જરુરી બને છે.અમદાવાદ-કેવડીયા વચ્ચે રોજે અંદાજે 4 જતી અને 4 આવતી ફ્લાઈટનું આયોજન વિચારાયું છે. પેસેન્જર કેપેસિટી 14 કે 19 વ્યક્તિની હોઇ શકે છે. રિવરફ્રન્ટના અપર પ્રોમેનડ પર એરપોર્ટ બિલ્ડિંગ, ટર્મિનલ અને વોચ ટાવર સુવિધા પણ સમયાંતરે ઊભી છવાની છે પણ 31મી ઓક્ટોબરના ટાર્ગેટને લઇને સી પ્લેન ઉડાડી શકાય એવી તમામ સુવિધાઓ વગે કરવા તંત્ર મચી પડ્યું છે. વ્હીકલ પાર્કીંગની વ્યવસ્થા માટે પાર્કિંગની જગ્યા કરવામાં આવશે. તો ફલોટીંગ જેટીની કનેકટિવીટી માટે એક બ્રિજ પણ બનાવાયો છે, જે નદીના પાણીને લેવલમાં રાખી જેટીની સાથે સી પ્લેનની કનેકટિવિટી કરી આપશે. ઓથોરિટી જયાં સુધી પોતાની સ્વાયત્ત ફાયર સિસ્ટમ પ્રણાલી ,ફાયર ફાઈટીંગ બોટ, રેસ્કયૂવાહનો અને સ્ટાફ સુવિધા ઉપલબ્ધ નહીં કરાવે ત્યાં સુધી અમદાવાદ કોર્પોરશનનો ફાયર વિભાગ સી-પ્લેન માટે જરૂરી એવી ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને રેસ્કયૂ સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે.

  • સી પ્લેનની શરુઆત આમ થઈ

પરદેશમાં ફરતાં રહેતાં ગુજરાતીઓ માટે સી પ્લેન ફ્લાઈંગ બોટ તરીકે પણ જાણે છે. કારણ કે, આ પ્લેનના અમુક ભાગની બનાવટ બોટના ઢાંચા જેવી હોવાથી તેને ફ્લાઈંગ બોટ તરીકે પણ ઓળખાય છે. આ તકે વાત કરીએ તો જાણવું રસપ્રદ બની રહેશે કે, દુનિયામાં સૌથી પહેલું સી-પ્લેન વર્ષ 1911માં પાણી પર ઉડાડીને પ્રયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકન ઇજનેર ગ્લેન એચ. કર્ટિસે આ પ્રકારનું પ્રથમ એરક્રાફ્ટ બનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો ઉપયોગ થયો એ પછી યુદ્ધ પૂર્ણ થયા બાદ તેનો વ્યાપારી હેતુસર ઉપયોગ થવા લાગ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ પ્લેન વપરાયાં હતાં. જો કે, તેનો ઉપયોગ મર્યાદિત ધોરણે જ હતો. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી આ પ્લેનની બનાવટમાં ફેરફારો કરી તેને બરફ, કાદવ અને ઘાસવાળી જમીન પર ઉતરાણ કરી શકે તેવા સંશોધિત પ્લેન પણ બનાવવાંમાં આવ્યાં છે.

પ્રથમ સી પ્લેન
  • મુશ્કિલે ઓર ભી થી

અમદાવાદથી ઉપડેલું સી પ્લેન તેની પહેલી ખેપ મારીને જ્યાં ઉતરશે તે કેવડીયા કોલોની-નર્મદા ડેમ ખાતે પણ આ પ્રોજેક્ટને લઇને લાંબા સમયનું આયોજન ચાલી રહ્યું હતું. ખાસ તો નર્મદા નદીમાં
સી પ્લેન માટે જે સાઈટ છે ત્યાં તળાવ નંબર ત્રણમાં સૌથી મોટી સમસ્યા મગરની રહી હતી. જ્યાં 300થી વધુ મગર વસતાં હતાં. આ તળાવને મગરમુક્ત કરવા માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યાં છે. તળાવનંબર ત્રણને જોડતી લિંક ચેનલ પર મગરને રોકવા માટે જાળી મૂકીને કામ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર આઈ કે પટેલે જાહેરનામું બહાર પાડીને 19થી 21 સપ્ટેમ્બર સુધી વાહનોને રુટ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. જેમ જ કેવડીયા કોલોનીથી તળાવ નંબર ત્રણ અને ટેન્ટ સિટી તરફ અવરજવર માટે ભૂમલીયા એચઆરથી જવાનો હૂકમ કરવામાં આવ્યો હતો. મગરોને અન્યત્ર ખસેડવા માટે ફોરેસ્ટ વિભાગે ખાસ પીંજરા મૂક્યાં હતાં અને મગરો પકડીને તળાવને મુખ્ય સરોવરમાં મોકલી દઇને મગર ફ્રી કરવામાં આવ્યું છે.

જેમ મોટા અને મુશ્કેલ પ્રોજેક્ટમાં બનતું હોય છે તેમ આ પ્રોજેક્ટમાં પણ વિધ્નો તો આવ્યાં જ હતાં. એક તબક્કે આ વર્ષની શરુઆતના ગાળામાં તો આ પ્રોજેક્ટ પડતી મૂકવા સુધીની વાત સામે
આવી હતી. સુરતથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની સી પ્લેન સેવા એટલે પડતી મૂકવામાં આવી કે લેન્ડિંગ માટેની 1500 મીટરની ઊંચાઈ મળતી ન હતી. સ્પાઈસ જેટની એજન્સીએ આ સર્વે કર્યો હતો.

  • આ પ્રોજેક્ટમાં વિરોધની વાત પણ છે

સી પ્લેન પ્રોજેક્ટમાં એક મહત્ત્વનું સ્થળ શેત્રુંજી ડેમ પણ છે. ત્યારે આ વિસ્તારના ધર્મસ્થાનકોમાં જૈન સ્થાનકોનું પણ બહોળું પ્રમાણ છે જેને લઇને અહિંસામાં માનતાં જૈનસમાજની લાગણી
દુભાઈ રહી છે. જૈનસમાજને આ યોજનામાં હિંસા દેખાઈ રહી છે તેમાં એવું જણાવવું છે કે, સી પ્લેન શરુ કરવાનો હેતુ ટુરિઝમને પ્રોત્સાહનનો છે ત્યારે વિશ્વભરમાંથી લોકો આવે તો
જીવહિંસા વધશે. અને ખાસ તો સી પ્લેન શેત્રુજી ડેમમાં ઊતરે તો જળચરોની પણ હિંસા થશે. શેત્રુંજી પર્વતને નુકસાન થશે તેથી શેત્રુંજી ડેમના બદલે ભાવનગર એરપોર્ટ પર સી પ્લેન ઉતારવા
જૈન સમાજની માગણી છે. આ વર્ષે ભરપુર વરસાદ થયો છે ત્યારે શેત્રુંજી છલોછલ ભરાયેલો છે. જેથી જળસ્તર જોઇએ એવા પ્રમાણમાં છે. પણ જોવાનું એ રહે છે કે જૈનસમાજના વિરોધને સી પ્લેન
પ્રોજેક્ટમાં કેટલો કાનસરો અપાય છે.

ABOUT THE AUTHOR

...view details