અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાનોની ગુજરાત મુલાકાત દિવસે દિવસે વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદના સાબરમતી નદીના કિનારે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જુદા જુદા જિલ્લાઓમાંથી ચરખા સાથે કારીગરોને અહીં રીવરફ્રન્ટ સુધી લાવવામાં આવ્યા છે. પણ હકીકત એવી પણ છે કે, છેલ્લા છ મહિનાથી બંધ રહેલું ચરખા કાંતવાનું કામ હવે યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયું છે. જેના કારણે રેટિંયો કાંતનારા અનેક એવા કારીગરો સારી એવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: પશુંઓને લમ્પી વાયરસથી મુક્તિ અપાવવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર
આર્થિક રીતે પગભર:અમદાવાદ પાસે આવેલા ધંધુકાના ગલસાણા ગામથી આવેલા વિનાબેને જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી કામ મળતું ન હતું. હવે વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવતા કામની શરૂઆત થઈ છે. સોમવારથી શુક્રવાર સુધી એમ પાંચ દિવસ કામ કરીએ છે. બે કલાક જેટલો સમય આપીએ છીએ. જેની સામે રૂપિયા 1500 મળે છે. અન્ય એક કારીગર કહે છે કે, કામ મળતું ન હતું એટલે ખેત મજૂરી કરી રહ્યા હતા. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા 7500 જેટલા કારીગરોના નામ સરનામા સાથેની વિગત પણ તૈયાર કરવામાં આવી છે. જ્યારે જે કારીગરો હાજર રહેશે તે તમામના નામ સરનામાનો રેકોર્ડ પણ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ પાસે રાખવામાં આવશે.
આ પણ વાંચો: ફિલ્મી ઢબે લૂંટ કરવા જતા જનતાએ મેથીપાક ચખાડ્યો
યોજના શરૂ: આ ઉપરાંત ગુજરાત રાજ્ય ગ્રામ ઉદ્યોગ બોર્ડ આ તમામ કારીગરોને એક દિવસનો પગાર પણ ચૂકવશે. ગુજરાત રાજ્યના ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા ચરખાનો વ્યાપ વધુ રહે અને લોકો ખાદી તરફ વડે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા નવા ચરખા ખરીદી માટેની પણ સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2014 થી ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. જેમાં નવા ચરખાની ખરીદીમાં 65 ટકા સહાય સંસ્થા અને લાભાર્થીઓને આપવામાં આવે છે. જ્યારે 35 ટકા રકમ જે તે સંસ્થાએ ભોગવી પડે છે જ્યારે આ યોજના હેઠળ ઓછામાં ઓછા 25 ચરખા ખરીદવાની જોગવાઈ પણ બોર્ડ દ્વારા રાખવામાં આવી છે.