ગુજરાત

gujarat

ETV Bharat / city

સી.આર.પાટીલ પોતાના નિર્ણય પર રહ્યા અડગ, PM મોદીની ભત્રીજી ટિકિટથી વંચિત - ભાજપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપની પાર્લામેન્ટી બોર્ડની બેઠક મળી હતી. જેમાં જે કાર્યકર સંગઠનમાં કે સરકારમાં હોદ્દો ધરાવતો હશે તેના સગા સંબંધીઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત PM મોદીની ભત્રીજીને ટિકિટ આપવામાં આવી નથી.

ETV BHARAT
PM મોદીની ભત્રીજી ટિકિટથી વંચિત

By

Published : Feb 5, 2021, 6:37 PM IST

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના 192 ઉમેદવાર
  • બોડકદેવ વોર્ડમાંથી PM મોદીની ભત્રીજી સોનલ મોદીએ માગી હતી ટિકિટ
  • સોનલ મોદીને ટીકીટ અપાઈ નહીં

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 06 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. આ 06 મહાનગરપાલિકાઓમાં સૌથી મહત્વની મહાનગરપાલિકા ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની મહાનગરપાલિકા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંતર્ગત 48 વોર્ડ આવેલા છે. આ દરેક વોર્ડની 4 બેઠક પ્રમાણે કુલ 192 બેઠકો થાય છે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં આ 192 બેઠકો માટે 2,000થી પણ વધુ દાવેદારો નોંધાયા હતા. જેમાં સૌથી ચર્ચાસ્પદ બોડકદેવ વોર્ડ રહ્યો હતો. કારણ કે, આ વોર્ડમાં 50 દાવેદારોએ ટિકિટની માંગણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ટિકિટની માંગણી કરી હતી.

PM મોદીની ભત્રીજી ટિકિટથી વંચિત

મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ હતી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

સોનલ મોદી PM નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની દીકરી છે. તેઓ બોડકદેવ ખાતે રહે છે. પ્રહલાદ મોદી 'ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન'ના અધ્યક્ષ પણ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને તેના કરોડો કાર્યકરો છે, ત્યારે આટલા બધા ફોર્મ આવ્યા હોય તેમાંથી ફિલ્ટર કરીને યોગ્ય વ્યક્તિને ટિકિટ આપવી તે અઘરું કાર્ય છે. આ માટે ગુજરાત ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને મળી હતી.

કયા નિયમ અંતર્ગત સોનલ મોદીને ટિકિટ અપાઈ નહીં ?

1થી 3 ફેબ્રુઆરી સુધી મળેલી આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત હતા. જેમાં સર્વ સંમતિથી ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને નિર્ણય લેવામાં આવ્યો હતો કે,

  1. જે કાર્યકરોને 60 વર્ષ પૂર્ણ થઈ ચૂકયા હોય તેવા કાર્યકરને ટિકિટ મળશે નહીં
  2. સતત 3 ટર્મથી ચૂંટાતા હોય તેવા કાઉન્સિલર કે કાર્યકરને ટિકિટ મળશે નહીં
  3. જે કાર્યકર સંગઠનમાં કે સરકારમાં હોદ્દો ધરાવતો હશે તેના સગા સંબંધીઓને પણ ટિકિટ આપવામાં આવશે નહીં

આ નિયમોમાં ત્રીજા નંબરના નિયમ અંતર્ગત વડાપ્રધાનની ભત્રીજી સોનલ મોદીને ટિકિટ અપાઈ નથી. જે વોર્ડમાંથી સોનલ મોદીએ ટિકિટ માગી હતી, તે બોડકદેવ વોર્ડમાં ભાજપના હયાત કોર્પોરેટરોની પેનલ ફરી રિપીટ કરી દેવામાં આવી છે.

ભાજપે ઉદાહરણ બેસાડયું ?

જો કે, આ ઉપરાંત પણ જ્ઞાતિનું સમીકરણ, સિનિયોરીટી, કાર્યકરોમાં વર્ચસ્વ વગેરે જેવા મુદ્દાઓ પણ ઉમેદવાર પસંદ કરવા માટે ધ્યાનમાં લેવાતા હોય છે, ત્યારે પ્રહલાદ મોદીએ ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વડાપ્રધાનના અંગત સંબંધનો લાભ લીધો નથી. તેમના બાળકોએ વડાપ્રધાન સાથે ફોટા પડાવ્યા નથી. સોનલ મોદીએ ફક્ત ભાજપના કાર્યકરની હેસિયતથી ટિકિટ માગી હતી.

જો કે, કેટલાક જાણકારો ભાજપના હજારો કાર્યકરોના ટિકિટ માંગણીને લઈને જાગેલા રોષને ઠંડો પાડવાનો આ એક ભાજપનો સ્ટંટ ગણે છે.

ABOUT THE AUTHOR

...view details