અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ મોકૂફ રાખવાની માગ સાથે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.
હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે વધતા કોરોના કેસ વચ્ચે ચૂંટણી પંચ આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજવા જઇ રહ્યું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચુંટણી મોકુફ કરવામાં આવે. આ મુદ્દે આગામી સપ્તાહ દરમિયાન વધુ સુનાવણી હાથ ધરાઈ છે.
કોર્પોરેશન અને તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં PIL કરાઈ રાજ્યમાં 6 મહા નગરપાલિકાના 642 કોર્પોરેટર અને 42 જેટલી નગરપાલિકાઓના 4,488 કોર્પોરેટરો સહિત તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના સંક્રમણ વધી શકે છે. અરજદાર દ્વારા આ માગ કરી ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં 26મી સપ્ટેમ્બર સુધીમાં 1.30 લાખ જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી તે 3,393 લોકોના મોત નીપજ્યાં છે. અરજદાર દ્વારા દલીલ કરવામાં આવી છે કે, કોરોના વાઇરસનું સંક્રમણ માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ વકરી રહ્યું છે, જેથી ચૂંટણી મોકૂફ રાખવામાં આવે.