અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આવનારી ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની ચૂંટણીને મુલતવી રાખવાની અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, કોરોનાની વર્તમાન સ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી આ પેટાચૂંટણીને મોકૂફ રાખવી જોઈએ. રાજનૈતિક દળ દ્વારા આ ચૂંટણીને લઈને બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી મોકૂફ રાખવા હાઈકોર્ટમાં રિટ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર થનારી પેટાચૂંટણી મુલતવી રાખવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આઅરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, અત્યારની સ્થિતિ પ્રમાણે જો 8 બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવશે તો કોરોના સંક્રમણ વકરી શકે છે.
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 18 લાખથી વધુ મતદાતાઓ નોંધાયેલા છે. જો આવી પરિસ્થિતિમાં મતદાન થશે અને કોઈ કોરોના લક્ષણ ધરાવતો દર્દી અથવા માઈલ્ડ લક્ષણોવાળો કોરોના દર્દી એકત્ર ભીડમાં મત આપવા આવે તો ભયાવહ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી પર પણ હાલ પૂરતો પ્રતિબંધ લાદવો જોઇએ.
જો કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લગ્નમાં 50 અને મૃત્યુમાં 20 લોકોથી વધુ હાજર ન રહી શકે તેવો પરિપત્ર હોય અને તમામ લોકોએ છ ફૂટનું અંતર રાખવું ફરજીયાત કરવામાં આવ્યું હોય ત્યારે આવા સંજોગોમાં ચૂંટણી કઈ રીતે યોજાઈ શકે તેમ અરજીમાં જણાવવામાં આવ્યું છે.