- એક મહિલા બેભાન થઈ જતાં એમ્બ્યુલન્સ બોલાવવી પડી
- 250થી વધુ લોકોનો કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ
- આવેદનપત્ર અપાય તે પહેલા જ પોલીસે અટકાયત કરી
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન આગામી 21 ફેબ્રુઆરીએ યોજાશે. ત્યારે શહેરનાં અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓથી વંચિત રહેલા ગરીબ વર્ગના લોકો આવાસ તથા અન્ય માગણીઓ સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. શહેરના 11 વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ એકત્ર થઈને પોતાના હક માટેના નારા લગાવ્યા હતા. તેઓ કલેકટરને આવેદનપત્ર આપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા
આવાસ સહિતની વિવિધ માગો સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા અંદાજિત 250 લોકોનાં ટોળાએ કચેરી બહાર પોસ્ટર સાથે નારા લગાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે દરમિયાનગીરી કરીને સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ વિરોધ રહેતા પોલીસ સાથે ઘર્ષણનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. જે પૈકી પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી અને બાકીના લોકોને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
વિરોધ દરમિયાન બેભાન થતા મહિલાને સારવાર માટે ખસેડાઈ
મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તે બેભાન થઇ ગઈ હતી. જેના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી હતી અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. લોકોનાં જણાવ્યા પ્રમાણે, તેઓને જ્યાં સુધી હક નહીં મળે, ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને જો ત્વરિત માગણી નહી સ્વિકારાય તો આગામી દિવસોમાં ઘરવખરીના સામાન સાથે કલેકટર કચેરી બહાર ધામા નાંખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
અમદાવાદ: શહેરી સ્લમ વિસ્તારના રહીશોનો આવાસની માગ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ - ahmedabad collectorate
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં પાયાની સુવિધાઓથી વંચિત એવા જુદા જુદા 11 વિસ્તારોની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ કલેક્ટરને આવેદન પત્ર આપે તે અગાઉ જ અટકાયત કરી લેવામાં આવી હતી.
11 વિસ્તારની ઝૂંપડપટ્ટીઓના રહીશોનો આવાસ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત