અમદાવાદઃ શહેરમાં થોડા વર્ષો પહેલાં કેટલાક માર્ગોને ગૌરવ પથ જેવા નામ આપી નવીનીકરણ કરવામાં આવ્યું હતું, તેવામાં નિર્ણયનગર અંડરબ્રિજથી ચાંદલોડિયા ઓવરબ્રિજ તરફ જતા માર્ગ પર આવેલા ફૂવારાની સ્થિતિ મેઈન્ટેનન્સ વગર સાવ ભંગાર હાલતમાં છે. હાલમાં ફુવારાની પાઈપોમાંથી આસપાસના લોકો પાણી ભરતા જોવા મળે છે.
અમદાવાદઃ શહેરની સુંદરતા માટે તૈયાર કરાયેલા ફુવારામાંથી હવે લોકો પાણી ભરી રહ્યા છે... - ફુવારા
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નિર્ણયનગર અંડરબ્રિજથી ચાંદલોડિયા ઓવરબ્રિજ તરફ જતા માર્ગ પર આવેલા ફુવારાની પાઈપોમાંથી આસપાસના લોકો વહેલી સવારથી જ પાણી ભરતા જોવા મળે છે.
શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફૂવારા લોકાર્પણ બાદ થોડો જ સમય ચાલુ રહ્યાં હતા. હાલની પરિસ્થિતિમાં શહેરના માર્ગો પર તૈયાર કરાયેલા મોટાભાગના ફુવારા બંધ છે, જેની જાળવણી, સમારકામ અને ઉપયોગની પણ કોઈ તસદી લેતું નથી. આ જ ફૂવારાઓનો ઉપયોગ રસ્તાઓ ઉપર છાપરાં બનાવી રહેતા લોકો પાણી ભરવા માટે કરી રહ્યાં છે.
બીજી તરફ વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફુવારા માટે જોડેલા પાઈપ પાસે પાણી ભરવા માટે કેરબા, ઘડા અને પીપડાની કતાર જોવા મળે છે. ઓવરબ્રિજને અડીને જ આવેલા આ માર્ગ પર 24 કલાક ટ્રાફિક રહે છે, જેની વચ્ચે લોકો ફુવારામાંથી પાણી ભરે છે. સુંદરતા વધારવા માટે બનેલા ફુવારા ખર્ચ કર્યા પછી પણ બંધ છે. જ્યારે માર્ગો પર જ વસવાટ કરતા હજારો લોકો પાણી ભરવા રઝળપાટ કરતા જોવા મળે છે.