અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીને લઈને મસમોટા પ્લાનિંગ કરે છે, પરંતુ આ તમામ પ્લાનિંગ કાગળ પર જ રહી જાય છે. આ વર્ષે પણ વરસાદ બાદ શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયાં છે. ખાસ કરીને આ વખતે જે બોપલ ઘુમા નગરપાલિકાનો સમાવેશ કોર્પોરેશનમાં કરવામાં આવ્યો છે, તે વિસ્તારોની હાલત તો અત્યંત ખરાબ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
અમદાવાદ કોર્પોરેશને તૂટેલા રસ્તા પર થીગડાં મારવાનું શરૂ કર્યું
અમદાવાદમાં છેલ્લાં કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કરાણે રસ્તા તૂટી જતાં તંત્રની પોલ આવર્ષે પણ ખુલી ગઈ છે. તેવામાં હવે મહાપાલિકાએ તૂટેલા રોડ અને ઉબડખાબડ રસ્તાઓ પર થીગડાં મારવાનું કામ ચાલુ કર્યુ છે. શહેરના અનેક વિસ્તારોમાં કોર્પોરેશને રીસરફેસિંગના નામે રસ્તા પર થીગડા મારવાનું શરૂ કર્યુ છે.
લોકો દ્વારા પણ કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવી રહી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ફક્ત થીગડાં મારવામાં આવી રહ્યાં છે. લોકોમાં આ વર્ષે રોષ ચરમસીમાએ છે, એ વાતને લઇને છે કે વાહનચાલકો પાસેથી ટેક્સ વસૂલી સામે ખાતરી મળતી હોય છે કે, ખાડા વગરના રોડ કોર્પોરેશનની જવાબદારી હોય છે. ખાડાખૈયાવાળા રસ્તાઓના કારણે ઘણાં વાહનચાલકો પછડાય છે કે, અક્સમાતનો ભોગ બને છે અને કેટલાક કોર્ટકેસ પણ કરતાં હોય છે.
સીએમ ઓફિસથી ખાડા પૂરવાના આદેશ છૂટ્યાં બાદ અમદાવાદ કોર્પોરેશનના તમામ ઝોનના સિટી ઈજનેરોને ખાડા પૂરી દેવા કામે લગાડવામાં આવ્યાં છે, ત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ એક દિવસમાં 700 જેટલા ખાડા પૂરવામાં આવ્યાં છે અને આ કામગીરી લગભગ 2,000થી વધુ ખાડા પૂરવા સુધી ચાલુ રહેશે. વાહનોની અવરજવર થઈ શકે તે રીતે ખાડા પૂરવામાં આવ્યાં હોવા છતાં જો ફરી વરસાદ આવે તો ઠેરના ઠેર જેવી સ્થિતિ સર્જાવાની આ ખાડાઓ પૂરવાનું કામકાજ જોઇને શક્યતા વર્તાઈ રહી છે.