- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું આ બ્રહ્માસ્ત્ર કોંગ્રેસનો સફાયો કરશે ?
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફતેહ મેળવવા ટકોરાબંધ રણનીતિ
- જીતવી અશક્ય લાગતી બેઠકો પર જોરદાર પરિણામ આપતી રણનીતિ
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ચૂંટણીપંચે તારીખો જાહેર કરવા સાથે ફૂંકી આપ્યું છે. સત્તા નાની સંસ્થાની હોય કે વિશાળ જનસંખ્યા પરની હોય, પોતાનો પક્ષ એમાં બાજી મારે એવી કયા રાજકીય પક્ષની મંશા નહી હોય ? 25 વર્ષથી ગુજરાતમાં ફૂલેલોફાલેલો ભારતીય જનતા પક્ષ સત્તાસ્થાને હોવાથી ટોચનું સ્થાન રાજ્યમાં પણ ધરાવે છે અને દેશમાં પણ મોદી સરકારના રુપમાં ધરાવે છે. ચૂંટણી જીતવી હોય તો ચૂંટણીની રણનીતિ કેવી રહી તેના પર રાજકીય પંડિતો દ્વારા ખૂબ ઊંડું વિચારભર્યું આકલન કરવામાં આવતું હોય છે. જેમાં નાના નાના મુદ્દાઓને ઇંગિત કરીને કહેવાતું હોય છે કે આ જે તે રણનીતિ છે જેના કારણે સો એન્ડ સો પક્ષે ભારે સફળતા હાંસલ કરી છે. નવેમ્બરમાં 8 વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ગુજરાત કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષોના મોવડીઓને 440નો કરન્ટ લાગ્યો હતો. કારણ કે નવનિયુક્ત ભાજપ પ્રદેશ સી. આર. પાટીલની આગેવાનીમાં ભાજપ તમામ બેઠકો જીતી ગયું હતું. પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને ફરી જીતાડવામાં પણ તેઓ સફળ રહ્યાં. આ કેવી રીતે બન્યું તેની રણનીતિની શોધખોળ કરવામાં આવી ત્યારે લગભગ બધાં તારણ પણ આવ્યાં કે આ ભાજપની સંગઠનાત્મક કામગીરીનું પરિણામ છે.
ભાજપ માટે કયાં તારા તોડી લાવશે?
આ પીઠિકાનું પુનઃસ્મરણ કર્યાં પછી વાતને પાટે ચડાવીએ અને ભાજપ છેલ્લા એક દોઢ માસથી જે રીતે પેજ પ્રમુખ નામનો શબ્દ ગુંજારવ ફેલાવી રહ્યો છે, તેના પર ધ્યાન આપવાથી મામલો કઇ બાજુ જઈ રહ્યો છે તે સુપેરે સમજી લેવાશે. સી. આર. પાટીલે જ્યારે ફરજિયાત પણે પેજ પ્રમુખ જવાબદારી નિભાવવાની વાત ડીસેમ્બરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં કરી હતી, ત્યારથી પેજ પ્રમુખની રણનીતિ પર ભાજપે સક્રિય રસ લઇને કામ શરુ કરી દીધું છે. શું છે આ વિચારશૈલી અને ભાજપ માટે કયાં તારા તોડી લાવશે એ તો તાજેતરમાં જ આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પરથી ખ્યાલ આવી જશે. બાય ધ વે. આ પેજ પ્રમુખ રણનીતિ ઘડવાનું ખરું કારણ તમે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ માનતાં હો તો જરા ફરી વિચાર કરવો ખપે. કારણ કે સી. આર. પાટીલે પ્રદેશ અધ્યક્ષ પદ સ્વીકારતાં જ એક સિંહગર્જના કરી હતી કે, આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ ગુજરાત વિધાનસભાની તમામે તમામ 182 બેઠકો જીતી લેશે.
182 બેઠક જીતવાની સી.આર. પાટીલની એક ખાસ રણનીતિ
તો, આખરે સી આર પાટીલનો આ કયો આત્મવિશ્વાસ બોલી રહ્યો હતો? સી. આર. પાટીલને સારી રીતે જાણનારાંઓને એ ખબર છે કે, સી. આર. પાટીલ પોતે જંગી બહુમતીથી નવસારી બેઠક પરથી સાંસદ બન્યાં છે અને એ પહેલાં ધારાસભ્ય તરીકે પણ તેઓ પ્રથમ ક્રમની બહુમતી મેળવી ચૂ્કેલાં રાજકારણી છે. તો સ્વાભાવિક જ તેમનું બયાન સાવ કોરાણે મૂકી દેવા જેવું નથી. તેમની 182 બેઠક જીતવાની એક ખાસ રણનીતિ હવે ધીમેધીમે ઉપસી રહી છે અને તે જ છે પેજ પ્રમુખ રણનીતિ
કોંગ્રેસ સહિતના વિપક્ષો માટે અણુબોમ્બ બનશે આ રણનીતિ
પેજ પ્રમુખ રણનીતિ અંગે સ્વયં સી. આર. પાટીલે કયા શબ્દમાં પોતાનો આત્મવિશ્વાસ રણકાવ્યો છે તે જોઇએ. તેમણે વલસાડના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાશે. ચૂંટણીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલું પેજ કમિટીનું આયોજન એ અણુબોમ્બ સમાન છે. જે કોંગ્રેસનો સફાયો કરશે. ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર છે. જેમાં એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને બીજું પેજ કમિટીનું પ્લાનિંગ છે, જેનો કોઈ તોડ કોંગ્રેસ પાસે નથી. દરેક ઘર અને દરેક પેજ કમિટી અને પ્રમુખની કામગીરીનું માઈક્રો પ્લાનિંગ એ ભાજપનો અણુબોમ્બ છે. જે ચૂંટણી સમયે કોંગ્રેસ પર ભારે પડી જશે અને કોંગ્રેસનો સફાયો નિશ્ચિત છે.
15 લાખ પેજ કમિટી થકી સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાની આ નવી સ્ટ્રેટેજી
ગુજરાતમાં 15 લાખ પેજ કમિટી થકી સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાની આ નવી સ્ટ્રેટેજી ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બનાવી છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા બાદ પાટીલે એક પછી એક યોજનાઓ થકી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેના લક્ષ્ય સાથે આ ચૂંટણી રણનીતિ ઘડી છે. પાટીલે આવતાં વેંત જ કાર્યકર્તાઓને એક્ટિવ કરવા પેજ પ્રમુખ અભિયાનને ગતિ આપીને નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી દીધેલી છે. તેમના માર્ગદર્શન હેઠળ ઝપાટાબંધ દરેક જિલ્લાના ભાજપ કાર્યાલયમાં પણ ધમધમાટ છે, જેમાં મતદારોના વિવિધ વર્ગોના અગ્રણીઓથી લઇ નાનામાં નાની સોસાયટીના મહત્ત્વના વ્યક્તિને ભાજપના સંભવિત મતદાર તરીકે વાળવાની પૂરજોર કોશિશ શરુ થઈ છે. પેજ કમિટી રણનીતિ દ્વારા ભાજપ રાજ્યના સવા બે કરોડ મતદારો સુધી સીધો સંપર્ક સ્થાપિત કરી શકશે. આ એક એવું માઈક્રો પ્લાનિંગ છે જેમાં ભાજપ પેજ પ્રમુખ એવું આઈકાર્ડ પણ આપવામાં આવશે. જિલ્લાવાર પેજ કમિટીઓ બની રહી છે અને તેનો ડેટા પણ બનાવાઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ભાજપે 50,000 પેજ પ્રમુખ આઈકાર્ડ બનાવી પણ લીધાં છે.
કઇ રીતે નક્કી થાય છે પેજપ્રમુખ પદભાર
પેજ પ્રમુખનું કાર્યક્ષેત્ર જાણીએ તો જોઇ શકાય કે પેજ પ્રમુખનો મુખ્ય ડેટા સોર્સ ખુદ ચૂંટણીપંચ દ્વારા પ્રાપ્ત થતી સત્તાવાર માહિતીઓ છે. ચૂંટણીપંચ મતદારોની યાદી બહાર પાડે છે તે જાણો છો ને! બસ, અહીંથી પાટીલની રણનીતિની શરુઆત થાય છે. આ મતદાર યાદીના દરેક પેજ અને તેના પર છપાયેલાં નામ -એટલે કે જે તે નાગરિક ભાજપને જ મત આપે તેવી જેની જવાબદારી છે તે છે પેજ પ્રમુખ. પોતાના ફાળે આવેલા મતદાર યાદીના પેજના નામના વીસપચીસ મતદારોને મળવું, ભાજપ તરફી વલણ ઊંભું કરવું, તે મતદાન કરે તે સુનિશ્ચિત કરવું વગેરે વગેરે જવાબદારી પેજ પ્રમુખે નિભાવવાની છે. ભાજપ સાથે જોડાઈને કોઇપણ એવો નાગરિક જે પોતાના વિસ્તારમાં લોકો પર પકડ ધરાવતો હોય, નામના ધરાવતો હોય તો તેવી વ્યક્તિ પેજ પ્રમુખ બની શકે છે. તો દરેક સંભવિત મતદારને ભાજપનો મતદાર બનાવવાની રણનીતિ એ જ છે પાટીલની પેજ પ્રમુખ રણનીતિ!
વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ કરે છે અભિવાદન