- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જ સુરતના રાજકારણમાં ગરમાવો
- ધાર્મિક માલવિયાએ અંતિમ ઘડીએ કર્યું હતું નાટક
- કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હોવા છતાં ઉમેદવારી પત્ર ન ભરતા રાજકારણ ગરમાયુ
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમયથી ચર્ચામાં આવેલા યુવા અગ્રણી ધાર્મિક માલવિયાને કોંગ્રેસે સુરતમાં વોર્ડ નંબર 3માંથી ટિકીટ આપી હતી. જેમાં પાટીદારોના કહેવાતા વરાછા અને યોગીચોક જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અનામત આંદોલન સમયે ભાજપનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો. જો કે ધાર્મિક માલવિયાએ સુરતમાં વોર્ડ નં. 17માંથી ટિકીટ માંગી હતી. પરંતુ તેમને વોર્ડ નં. 3માંથી ટિકીટ આપવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી અને છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી ફોર્મ નહીં ભરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટના બાદ PAASનાં અલ્પેશ કથીરિયા અને કોંગ્રેસના જયરાજસિંહ વચ્ચે વાકયુદ્ધ ખેલાયુ હતું.
PAASનાં ધાર્મિક માલવિયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ન ભરતા અલ્પેશ કથીરિયા અને જયરાજસિંહ વચ્ચે વાકયુદ્ધ કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ સિવાય એક પણ નેતાને સુરતમાં એન્ટ્રી નહિ: અલ્પેશ કથીરિયા
સુરતમાંથી ધાર્મિક માલવિયા સિવાય અન્ય 5 આગેવાનોએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. એટલે કે પાટીદાર આંદોલન સમયે ચમકેલા ધાર્મિક માલવિયાએ કોંગ્રેસ પક્ષમાંથી મેન્ડેટ લીધા બાદ છેલ્લી ઘડીએ નાટક કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે PAASનાં અલ્પેશ કથીરિયાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ પ્રચાર માટે સુરત આવીને તો બતાવે સુરતમાં હાર્દિક પટેલ સિવાય એક પણ નેતાને એન્ટ્રી નહીં મળે.
અલ્પેશ કથીરિયા સુરતનો ધણી નથી, અમે આવીશું અને સભાઓ પણ યોજીશું: જયરાજસિંહ પરમાર
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, અલ્પેશ કથીરિયા સુરતનો ધણી નથી. સુરતમાં કોંગ્રેસ પક્ષ તરફથી અનેક સભાઓ કરવામાં આવશે અને તેમાં પ્રદેશના નેતાઓ પણ જશે. અમે પણ અલ્પેશ કથીરિયાને પડકાર આપી રહ્યા છે કે, અમે સુરતમાં પ્રવેશ પણ કરીશું અને સભા પણ કરીને બતાવીશું. જ્યારે રહી વાત પાર્ટી સાથે ગદ્દારી કરવાની, તો તેના માટે જેમણે ધાર્મિક માલવિયાની પસંદગી કરી હશે તેની સામે પક્ષે યોગ્ય નિર્ણય કરીને યોગ્ય કાર્યવાહી કરવાનું સૂચન આપ્યું છે