- ઓક્સિજનની માગ વધતા સિલિન્ડરના ભાવમાં ૬૦ ટકાનો વધારો
- ગુજરાતે અન્ય રાજ્યમાં ઓક્સિજનની સપ્લાય કરી બંધ
- ગુજરાતમાં વપરાતા ઓક્સિજનનો રેકોર્ડ બ્રેક વપરાશ
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ કોરોનાની બીમારીથી લડતા દર્દીઓ માટે ઓક્સિજનની વધારે જરૂર પડે છે. તેને લઈને રાજ્ય સરકારે ઓક્સિજન ઉત્પાદન કરતી કંપનીઓ પર એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જાણકારી આપતા કહ્યું કે, રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ હવેથી 70 ટકા ઓક્સિજનનો જથ્થો આરોગ્ય વિભાગ માટે અનામત રાખશે. જ્યારે બાકીનો 30 ટકા ઓક્સિજનનો જથ્થો ઉદ્યોગો માટે સપ્લાય કરવામાં આવશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મિડીયા સમક્ષ જાહેરાત કરી હતી.
જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે
રાજ્યના ચાર મોટા મહાનગરો સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં જે દર્દીઓને પ્રાથમિક સ્તરમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય તેવા દર્દીઓને ઘરે જ સારવાર આપવામાં આવે છે. પરંતુ જે દર્દીઓની ઉંમર મોટી હોય તેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસની બીમારીવાળા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આવા દર્દીઓને મોટાભાગે ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય છે, અને જે રીતે સંક્રમણ વધે તેવી રીતે આઈસીયુમાં પણ ટ્રાન્સફર કરવાની જરૂર પડતી હોય છે. ત્યારે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે. તે રીતે ઓક્સિજનની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ઓક્સિજન સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચોઃસુરતમાં કોરોનાની સ્થિતિ ભયંકર : દરરોજ 4000 થી લઇ 6000 ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ
ઓક્સિજનની માંગ વધતા સિલિન્ડરના ભાવમાં ૬૦ ટકાનો વધારો
એક તરફ રાજ્યના સામાન્ય લોકો પાસે સારવારના રૂપિયા નથી. ત્યારે હવે ઓક્સિજનના ભાવમાં પણ વધારો આવતા પરિસ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ હોવાના એંધાણ જોવા મળ્યા છે. હાલ ઓક્સિજન સિલિન્ડરનો ભાવ 285 રૂપિયાથી વધુ કરવામાં આવ્યો છે. સાત ક્યુબિક મીટરનું સિલિન્ડર હવે દર્દીઓને 325 રૂપિયાના ભાવમાં પડે છે. જોવા જઈએ તો પહેલાના ભાવની સરખામણીમાં ઓક્સિજન સિલિન્ડરના ભાવમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતે અન્ય રાજ્યમાં ઓક્સિજનની સપ્લાય કરી બંધ
ગુજરાતમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા અન્ય રાજ્યમાં સપ્લાય કરવામાં આવતા ઓક્સિજનના જથ્થાને પણ રોકવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને સતત ઓક્સિજનની માગમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા પણ આરોગ્ય વિભાગ માટે ઓક્સિજનનો જથ્થો અનામત રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અન્ય રાજ્યમાં પણ ઓક્સિજન સપ્લાય કરવો પણ પોસાઈ શકે તેમ ન હોવાથી ઓક્સિજનનો સપ્લાય રોકવામાં આવ્યો છે. જેને લઇને મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં અને ખાનગી હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો જથ્થામાં અછત ઉભી થઇ છે, તો અન્ય રાજ્યના શહેરોના કલેક્ટર દ્વારા પણ ઉદ્યોગો માટે વપરાતા ઓક્સિજનના જથ્થા પર રોક લગાવવામાં આવ્યો છે, અને હોસ્પિટલમાં જ ઓક્સિજન સપ્લાય કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃભાવનગરમાં રેમડેસીવીર ઇંજેક્શનની અછત, ઇંજેક્શનના સ્ટોક સામે માગ વધારે
રાજ્યમાં આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા પણ વધારાઇ
રાજ્યમાં જે રીતે કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સરકાર દ્વારા પણ વધારેમાં વધારે લોકોના ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે રીતે સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટ વધારવામાં આવી રહ્યા છે. તેવી રીતે કેસોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયા પર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના લોકોમાં વેક્સિનેશનને લઈને જાગૃતિ આવે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમજ વહેલામાં વહેલી તકે તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે આયોજન પણ કરાયા છે. જે રીતે ઓક્સિજન સિલિન્ડરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તેને લઈને હવે રાજ્ય સરકાર સમક્ષ એવી માગ ઉઠી છે કે, રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન સિલિન્ડરના ભાવ વધારા માટે અંકુશ લાવવો જોઈએ. જેથી જેનું ભારણ સામાન્ય જનતા પર આવે નહિ.