અમદાવાદ: આજે જન્માષ્ટમી છે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ. સમગ્ર ભારતમાં ધામધૂમથી આ તહેવારને ઉજવવામાં આવે છે, પરંતુ કોરોના વાયરસનું ગ્રહણ આ ઉત્સવ પર અત્યારે લાગી ચૂક્યું છે. ગુજરાત સાથે ભગવાન શ્રીકૃષ્ણનો ઊંડો સંબંધ છે.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં જન્માષ્ટમીની ઓનલાઇન ઉજવણી, જુઓ વીડિયો - ઓનલાઈન ઉજવણી
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના જયઘોષ સાથે ગૂંજી ઉઠતો અમદાવાદનો જમાલપુર વિસ્તાર આજે સાવ શાંત દેખાઇ રહ્યો છે. જન્માષ્ટમી છે ત્યારે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં આજના દિવસે હૈયેહૈયુ દળાય એવી ભીડ જામતી હોય ત્યાં મંડપ સૂનાં પડયાં છે. કૃષ્ણ જન્મોત્સવની જોકે મંદિર દ્વારા પોતાની રીતે ઉજવણી કરવામાં આવશે અને ભક્તોએ ઓનલાઈન દર્શન કરવાના રહેશે.
![અમદાવાદના જગન્નાથ મંદિરમાં જન્માષ્ટમીની ઓનલાઇન ઉજવણી, જુઓ વીડિયો અમદાવાદના જગન્નાથ મંદિરમાં જન્માષ્ટમીની ઓનલાઇન ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8389759-thumbnail-3x2-jaggnath-7209112.jpg)
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો આ દિવસે વ્રત અને ઉપવાસ સાથે આખો દિવસ ભજન કીર્તન કરવામાં આવે છે. મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરીને તેમના જન્મોત્સવ ઉજવવાની સાથે દહીં હાંડીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ કોરોના વાઈરસને કારણે સરકાર દ્વારા મેળાઓ અને ભીડ ભેગી કરવાની મનાઈ ફરમાવાઈ છે, ત્યારે અમદાવાદમાં આવેલી પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ આ વખતે જન્માષ્ટમીની ઉજવણી ફિક્કી છે. દિવસ દરમિયાન ભક્તોએ સંપૂર્ણ સાવધાની સાથે દર્શન કર્યા છે. જ્યારે રાત્રે જન્મોત્સવ વખતે સાધુ-સંતો જ હાજર રહેશે.
કૃષ્ણ જન્મોત્સવને લઈને જે વિધિ કરવામાં આવે છે, તે પ્રમાણે વિધિ કરાશે, પરંતુ કોઈપણ ભક્તને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં, દર્શનાર્થીઓ ફક્ત ઓનલાઇન દર્શન કરી શકશે. ડાકોર, દ્વારકા, ઇસ્કોન મંદિર સહિત સંપૂર્ણ ગુજરાતના મંદિરોમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે.