- અમદાવાદની એક દિવસની કલેક્ટર ફ્લોરાનું નિધન
- 11 વર્ષીય ફ્લોરા બ્રેઇન ટ્યુમરથી પીડાતી હતી
- તેમની છેલ્લી ઇચ્છાને ધ્યાને લેતા કલેક્ટર બનાવવામાં આવી હતી
ન્યૂઝ ડેસ્ક ;થોડા સમય પહેલા બ્રેઇન ટ્યુમરથી પીડિત 11 વર્ષીય બાળકી ફ્લોરાને એક દિવસની કલેક્ટર બનાવવામાં આવી હતી, ફ્લોરાની એવી ઈચ્છા હતી કે તે એક દિવસ કલેક્ટર બને અને આ તેમની ઇચ્છાને અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલે પૂરી કરી હતી, પરંતુ દુ:ખની વાત છે કે આજે ગુરૂવારે ફ્લોરાનું નિધન થયું છે. આ માહિતી અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે તેમના ટ્વિટર પર આપી હતી.
જિલ્લા કલેક્ટરે ફ્લોરાની ઇચ્છા પૂર્ણ કરી
'મેક અ વિશ' ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે સમક્ષ બ્રેઇન ટ્યુમરથી પીડિત 11 વર્ષીય બાળકીની કલેક્ટર બનવાની ઈચ્છાને રજૂ કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે આ વાતને સહર્ષ સ્વીકારી હતી. આજે ફ્લોરા અને તેના પરિવારનું જિલ્લા કલેકટરે જિલ્લા સેવા સદન ખાતે રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત કર્યું હતું. ફ્લોરાને કલેકટરની ગાડીમાં કલેકટર કચેરી અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. ફ્લોરાને કલેકટરની ચેમ્બરમાં તેમની ખુરશી પર બેસાડવામાં આવી હતી.
બોલિવુડ ગાયિકા નેહા કક્કરે આપી શુભેચ્છા
ફ્લોરા બોલિવુડ ગાયિકા નેહા કક્કરના ગીત ગાઈ રહી છે. ફ્લોરા માટે બીજી ખુશીની વાત એ છે કે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને ખાસ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ફ્લોરાના માતાએ કહ્યું હતું કે, નેહા કક્કરના ગીત સાંભળીને જ ઝૂમી ઉઠે છે. ફ્લોરાએ જિલ્લા કલેક્ટર સામે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, નેહા કક્કર જો તેને જન્મદિવસની શુભેચ્છા આપશે તો તેને ઘણું ગમશે. જોકે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને શુભેચ્છા આપતા ફ્લોરા અને તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.