ગાંધીનગરઃ ગાંધી જયંતિની ઉજવણી બાબતે મહિલા અને બાળવિકાસ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ગાંધીજીના જન્મ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે ગુજરાતની પાંચ લાખથી વધુ મહિલાઓ એકસાથે હેન્ડ વોશનો પ્રયોગ કરીને સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરશે.
રાજ્યની 5 લાખ મહિલાઓ એકસાથે હેન્ડ વોશ કરી ગાંધી જયંતિની ઉજવણી કરશે - મહાત્મા ગાંધી જયંતિ
વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું અને વારંવાર હાથ ધોવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક જાહેરાતો પણ કરે છે. ત્યારે જ બીજી ઓકટોબરે ગાંધી જયંતિના દિવસે રાજ્ય સરકાર દ્વારા અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્યમાં પાંચ લાખથી વધુ મહિલાઓ એકસાથે હેન્ડ વોશ કરીને ગાંધી જયંતિની ઉજવણી કરશે.
આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બીજી ઓક્ટોબરના દિવસે પાંચ લાખથી વધુ બહેનોને એકસાથે હેન્ડ વોશ કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આંગણવાડી કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તથા ભૂમિપૂજન પણ કરશે.
એકસાથે પાંચ લાખ જેટલી મહિલા હેન્ડવોશ કરશે તે એક વર્લ્ડ રેકોર્ડ પણ કાયમી થશે. બીજી ઓક્ટોબરની ઉજવણી સમગ્ર ગુજરાતમાં જિલ્લાકક્ષાએ કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષાની ગાંધી જયંતિની જન્મ જયંતિ ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે.