- નર્સ ઝેબા ચોખાવાલાએ આખાય રમઝાન માસમાં તમામ રોઝા કર્યાં
- રોઝાની સાથે જ કોરોનામાં ફરજ પણ બજાવી
- ઝેબા ચોખાવાલાના શબ્દો લાખો કોરોના વોરિયર્સ માટે પ્રોત્સાહનરૂપ
અમદાવાદ: આજે શુક્રવારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે અને આખો દેશ રમઝાન ઇદની ઉજવણી કરી રહ્યો હશે. આખુ વિશ્વ કોરોનાની મહામારીનો એક સંપ થઈને સામનો કરી રહ્યું છે. સૌ માણસ આજે પરસ્પર વેર-ઝેર કે ઉંચ-નીચમાં પડ્યા વગર માનવતાની સેવામાં રત થયો છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાને આખા પવિત્ર રમઝાન માસ દરમિયાન દરરોજ ચાલુ રોઝાએ 7 કલાક સુધી P.P.E. કીટ પહેરીને દર્દીઓની સેવા કરીને સાબિત કર્યું છે કે, જ્યારે મદદ કરનારાનો ઇરાદો મહાન હોય ત્યારે ઇશ્વર પણ તેની મદદે આવે જ છે.
અલ્લાહે પણ ફરજ દરમિયાન શક્તિ આપી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ ઝેબા ચોખાવાલાએ આખાય રમઝાન માસમાં તમામ રોઝા કર્યાં. રોઝાની સાથે જ કોરોનામાં ફરજ પણ બજાવી. ઝેબાનું કહેવું છે કે, “રોઝા રાખ્યા હોય ત્યારે શારીરિક નબળાઇ ઘણી આવે છે પરંતુ તેના કારણે હું સ્ટાફ નર્સ તરીકેની મારી ફરજથી પાછીપાની ન કરી શકું. મેં રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી છે તો અલ્લાહે પણ મને ફરજ દરમિયાન શક્તિ જરૂરથી આપી છે.”
આ પણ વાંચો:અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1,574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત
પરિવારથી વિખૂટા રહેવાનું પસંદ કર્યું અને પોતાના મૂલ્યોને પ્રાથમિકતા આપી
અમદાવાદ સિવિલમાં ઓપરેશન થિયેટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ઝેબા ચોખાવાલાના શબ્દો લાખો કોરોના વોરિયર્સ માટે પ્રોત્સાહનરૂપ બની રહ્યાં છે. 30 વર્ષીય ઝેબાને સાડા ત્રણ વર્ષની દિકરી છે અને ઝેબાની માતા કેન્સરગ્રસ્ત છે. તેમના પતિ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં વ્યવસાય કરે છે. આવામાં તેમનું પરિવાર પાસે રહેવું જરૂરી બની રહે છે, પરંતુ ઝેબાએ કોરોનાની બીજી લહેરમાં પરિવારથી વિખૂટા રહેવાનું પસંદ કર્યું અને પોતાના મૂલ્યોને પ્રાથમિકતા આપી. કોઇ પણ પડકારોને ગણકાર્યા વિના જુસ્સાભેર પોતાની ફરજનું પાલન કર્યું.