- કોરોનાને કારણે વૃદ્ધાશ્રમમાં વડીલો વધ્યા
- આર્થિક સંકડામણ, નોકરી છૂટવાના અને બીમારીને કારણે વૃદ્ધો તરછોડાયા
- ઘર કરતા વૃદ્ધોએ વૃદ્ધાશ્રમમાં અનુભવી શાંતિ
અમદાવાદ:શહેરમાં અનેક વિસ્તારમાં વૃદ્ધાશ્રમ આવેલા છે ત્યારે લાંભા ખાતે આવેલા જીવનધારા વૃદ્ધાશ્રમમાં કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 20 જેટલા વડીલોને આશરો આપવામાં આવ્યો છે. અનેક વૃદ્ધો અલગ-અલગ કારણોસર વૃદ્ધાશ્રમ તરફ વળ્યા છે. પરિવાર દ્વારા તરછોડાઈ દેવાય અથવા પરિવાર દ્વારા જ્યારે ખરાબ વર્તન કરવામાં આવે ત્યારે વૃદ્ધો પાસે વૃદ્ધાશ્રમ જવા સિવાય અન્ય ઉપાય રહેતો નથી. પરિણામે ઠેર-ઠેર વૃદ્ધાશ્રમમાં આશરો લેતા વૃદ્ધોનો આંકડો વધતો જ જાય છે. જે માતા-પિતા અથવા પરિવારના સભ્ય એક સમયે પરિવારના મોભી હોય છે અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરતા હોય છે, પરંતુ તે વ્યક્તિની જ જ્યારે ઉંમર વધતી જાય ત્યારે શારીરિક અશક્ત થતા જાય છે. જેને કારણે તેમને હવે પરિવારના અન્ય સભ્યોની મદદની જરૂર હોય છે. તેવા સમયે અગાઉના ઉપકારો ભૂલીને તેમને તરછોડવાનું વળતર આપવામાં આવે છે. એવા કેટલાક વડીલોએ ETV Bharat સાથે વડીલોએ ભીની આંખો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો:રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે 250થીવધુ વડીલોને કોરોના વેક્સીન આપવાની કામગીરી શરૂ
વૃદ્ધાશ્રમમાં વડીલો હળીમળીને રહે છે
જીવનધારા વૃદ્ધાશ્રમમાં આશરો મેળવી રહેલા 80 વર્ષીય ઇલાબેન શાહે જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે રહેતી પરંતુ પતિ અને પુત્રનું નિધન થતાં પુત્રવધૂ અને પૌત્ર સાથે રહેતા હતા. તેઓ કેટલાય સમયથી ઘરના કામકાજમાં મદદ કરતા હતા પરંતુ કોરોના શરૂ થતાં ઘર કંકાસ વધ્યો હતો. તેમનાથી કામ ન થતાં પુત્રવધૂ તેમને ખૂબ જ પરેશાન કરતી હતી. જેથી તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા અને સોસાયટીના બાંકડા પર રહેતા અને ત્યાં જ રાતે સૂઈ જતા હતા. એક અઠવાડિયા સુધી સતત તેઓ બહાર રહ્યા ત્યારે સોસાયટીના સેક્રેટરીએ તેમના પરિવારના સભ્યોને બોલાવીને ધમકાવ્યા હતા. જેથી તેમના પરિવાર દ્વારા તેમને વૃદ્ધાશ્રમ મૂકી જવામાં આવ્યા. આજે ઇલાબેન ખૂબ જ સારી રીતે રહે છે. અહીંયા તેમને કોઈ રોકટોક નથી અને તેમના જેવા અનેક લોકો તેમને મળ્યા છે. જેથી તેઓ તેમની સાથે હળીમળીને રહે છે.