અમદાવાદ: સાહેબ, મને કોરોના થઇ ગયો હોય એવું સતત લાગ્યા કરે છે...સાહેબ, મને તાવ આવ્યો છે કે નહી તે હું સતત ચેક કર્યા કરું છું...સાહેબ, કોરોના થઇ ગયો હોય અને તાવ-ખાંસી પણ ના આવે એવું બને ખરું?... આવા તો કેટ કેટલા ફોન કૉલ હવે હેલ્પલાઇન નં.104 ઉપર આવી રહ્યાં છે.
કોરોનાનો ડર : નજીવી ખાંસી-શરદીમાં લોકો હેલ્પલાઇન પર કોલ કરીને પૂછે છે, સાહેબ મને કોરોના તો નથી ને? - અમદાવાદ કોરોના ન્યૂઝ
કોરોના મહામારીના કેસ દિવસેને દિવસ વધી રહ્યાં છે. પરિણામે લૉકડાઉનને પણ લંબાવવામાં આવી રહ્યું છે. તેના લીધે કેટલાક લોકોને માનસિક ડર બેસી ગયો છે. નજીવી ખાંસી કે કફમાં પણ લોકો 104 પર ફોન કરીને ડોક્ટરને પૂછે છે, સાહેબ મને કોરોના તો નથી ને?
GVK EMRIના મેનેજરે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી રાજ્યમાં ફેલાઈ નહોતી ત્યારે 104 હેલ્પલાઈન પર દરરોજના 2000થી 2300 કૉલ આવતા હતા. હવે કોરોનાને લીધે એ સંખ્યા વધીને 15 હજારથી 17 હજાર જેટલી થઈ ગઈ છે. વચ્ચે થોડા સમય માટે તો આ કોલ્સનો આંક વધીને 20 હજાર ઉપર પહોંચ્યો હતો. રાજ્ય સરકારની 104 હેલ્પલાઇન ઉપર તા.5મી માર્ચથી તા.14 મે સુધી કુલ 717851 કૉલ આવ્યા છે, જે પૈકી કોવિડ-19 સંબંધિત 103815 કૉલ આવ્યા છે. જેમાંથી કોરોનાનાં સંભવિત લક્ષણો ધરાવતા હોય એવા કોલ્સ 7613 જેટલા આવ્યા છે. હાલમાં પ્રતિ દિન એવરેજ કોવિડ-૧૯ સંબંધિત કોલ્સ 1500થી વધુ આવે છે. તેવી જ રીતે 1100 હેલ્પલાઇન ઉપર તા. 30મી માર્ચથી તા. 14મી મે સુધી કુલ 19654 કૉલ આવ્યા છે. જે પૈકી કોવિડ-19 સંબંધિત 1931 કૉલ આવ્યા છે. જેમાં 331ને કાઉન્સિલિંગ અને 4493ને મેડિકલ એડ્વાઇઝ આપવામાં આવી છે.
104 હેલ્પાઇનમાં કામ કરતાં કર્મચારીઓ પૈકી પ્રત્યેક કર્મચારી દરરોજના 200થી 250 ફોનકૉલ એટેન્ડ કરે છે. કૉલમાં લોકો કોરોના વાઇરસનાં લક્ષણો વિશે પૂછે છે. ચેપ કેવી રીતે ફેલાય છે? તકેદારી શું રાખવી જોઈએ જેવા સવાલો પૂછે છે અને અને હવે ડિપ્રેશનને કારણે હતાશ થઇ ગયેલા લોકોના પણ કૉલ આવે છે.
કોઈ બિમાર હોય અને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દો એવી માગણી કરે તો તેવા કિસ્સામાં કૉલરની વિગત મેળવવામાં આવે છે, કે તેમને કઈ પ્રકારની તકલીફ છે? તેમની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે? એ જાણવા પ્રયાસ કરી જરૂર જણાય તો તેમનું રજિસ્ટ્રેશન કરીને આરોગ્યવિભાગમાં એ વિગતો મોકલી આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ દવા અંગે સૂચન માગે તો તેમને હેલ્પલાઈન નંબર 1100 પર કૉલ કરવા સમજ આપવામાં આવે છે. 1100 એ ટેલિમેડિસિન, ટેલિકાઉન્સિલિંગ (પરામર્શ) તેમજ ટેલિએડવાઇઝ (સલાહ) હેલ્પલાઇન છે. નિષ્ણાંત ડૉક્ટરોની પૅનલ અહીં તેમને માર્ગદર્શન આપે છે.
104 હેલ્પલાઇનમાં 250 કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવે છે. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 60થી 70 કર્મચારીઓ હેલ્પલાઇનમાં લોકોને ફોન પર જવાબ આપવા માટે બેઠા હોય છે. જેમા રાત્રે 12વાગ્યા પછી કૉલની સંખ્યા ઘટી જતી હોવાથી રાત્રે હેલ્પલાઇન ડેસ્ક પર કર્મચારીની સંખ્યા ઘટાડી દેવાય છે. સૌથી વધુ ફોનકૉલ સવારે 9થી બપોરે 1 દરમિયાન આવે છે. બપોરે કૉલનો પ્રવાહ ઓછો થઈ જાય છે. એ પછી સાંજે 5થી 8વચ્ચે ફરી કૉલનો પ્રવાહ વધી જાય છે. કૉલ તો સમગ્ર ગુજરાતમાંથી આવે છે, પરંતુ મહત્તમ કૉલ અમદાવાદમાંથી આવે છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાની સાથે શરુ થયેલા નકારાત્મક સમાચારો અને સોશિયલ મિડિયાના બિહામણા મેસેજીસને કારણે ઘણાં નાગરિકો ચિંતા અને હતાશાનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારને ધ્યાને આવેલી આ બાબતને ગંભીરતાથી લઇને ખાસ હેલ્પલાઇન નં.1100 શરુ કરવામાં આવેલી છે. કોરોનાને લગતી માહિતી અને મદદ માટે કાર્યરત મેડિકલ હેલ્પલાઇન 104માં પણ આવા ઘણા કૉલ આવી રહ્યાં છે. ત્યારે તેમને સંપૂર્ણ સંવેદનાથી સાંભળી હતાશ થઇ ગયેલા આવા વ્યક્તિઓનું અહીથી પણ સાયકૉલૉજિકલ કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની સૂચનાથી GVK EMRI દ્વારા શરુ કરાયેલી આ 104 હેલ્પલાઇન ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. માર્ચથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ફોન કૉલ આ હેલ્પલાઇન ઉપર આવ્યા છે.