- ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો
- આ વર્ષમાં અમદાવાદમાં બની આગની જીવલેણ ઘટનાઓ
- 4 સપ્તાહમાં 8થી વધુ આગની ઘટનામાં 24 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
- ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નિયમોની ઐસીતૈસી
- 12 શ્રમિકોના ભોગ લેનાર ઘટના મેયર માટે સામાન્ય ઘટના હતી...
અમદાવાદઃ પીરાણાવાળી આ ઘટનામાં જે કંપનીમાં કેમિકલ બ્લાસ્ટ થયો તેની જ દીવાલ સાથે જોડાયેલાં અન્ય ગોડાઉન પણ કેટલાક લોકો માટે સ્મશાન-કબ્રસ્તાન સમાન બની ગયાં. કાપડને પ્રોસેસ કરી સાડી અને ડ્રેસ મટીરિયલ બનાવતાં અને પેકિંગ કરતાં બે ગોડાઉનમાં કામ કરતાં લોકો આ ઘટનામાં સૌથી વધુ ભોગ બન્યાં છે. ઘટના સમયે ત્યાં ચોવીસેક લોકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, તેમાંથી 12 વ્યક્તિના મોત નીપજી ચૂક્યાં છે. ભોગ બનનારાંઓમાં શ્રમિકોનો જ સમાવેશ થાય છે. વર્ષોથી ચાલી રહેલી ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં આરડીએક્સ ધડાકાની યાદ અપાવે એવો પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેની તીવ્રતા એટલી બધી હતી કે, આસપાસના 4 ગોડાઉન ધ્વસ્ત થઈ ગયાં અને મૃતદેહોના અંગો 25 ફૂટ દૂર ઉછળ્યાં હતાં, ભલે પછી આ ઘટના અમદાવાદના મેયર બીજલ પટેલને સામાન્ય લાગી હોય! ઘટનાનો અનુભવ જેમને થયો તેમણે જણાવ્યું હતું કે, ધડાકાનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો અને ભૂકંપ જેવો અનુભવ થયો હતો. જે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેની બાજુમાં કાપડ પ્રોસેસ હાઉસમાં જે 10 લોકો કામ કરી રહ્યાં હતાં તેઓ ત્યાંજ દટાઈ ગયાં હતાં અને ભાગવાનો મોકો પણ મળ્યો નહોતો. આ અત્યંત શોકાતુર કરનારી ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
ઘટના પછી એફએસએલ ટીમે લીધેલાં નમૂનાઓમાં 4 કેમિકલની ઓળખ થઈ છે તેમાંનું એક કેમિકલ જે એમઈજી તરીકે ઓળખાયું છે તે સૌથી વધુ વિસ્ફોટક હતું. જેના કારણે 100 ટન વજનનું આરસીસી બાંધકામ તૂટી પડ્યું હતું. લગભગ 100 જવાનોએ 13 કલાકથી વધુ બચાવકાર્ય કર્યું, ફાયરવિભાગની 24 ગાડીઓ કામે લાગી હતી પણ ફેકટરીના સંશાધનોમાં આગને કાબૂમાં લેવા કોઈ જ વ્યવસ્થા જોવા મળી નહોતી. પ્રચંડ વિસ્ફોટકો ભરેલી ફેક્ટરીનું ગોડાઉન ત્રણ વર્ષથી ચાલતું હતું પણ આ નત ગોડાઉન પાસે ઓનઓસી હતું, ન તો ફિટનેસ સર્ટિફિક્ટ હતું કે ન તો જીપીસીબીએ ચેકિંગ કરેલું હતું કે ન તો સોલિડ વેસ્ટ વિભાગનું લાયસન્સ લેવાયું હતું. આટલા ગંભીર પ્રકારની ધાંધલી છેવટે 12 લોકોને મોતના મુખમાં ઓરી ગઇ અને તેમના પરિવારને નોંધારા કરી ગઈ. પોલીસે કેમિકલ ફેક્ટરીના માલિક હેમંત સુતરિયાને પકડી લીધો છે પણ બટા ભરવાડ કોણ છે અને ક્યાં છે તેની કોઇ જાણકારી સામે આવી નથી. તેનું નામ પણ ન આવે તેવી તકેદારી કેમ લેવાઈ રહી હોય તેવું લાગે છે?
કેમિકલથી થયેલાં બ્લાસ્ટમાં 12 વ્યક્તિના મોત થયાં હોય તેવી આ રાજ્યની પ્રથમ ઘટના પણ છે. આ પહેલાં ભરુચમાં જીએનએફસીમાં કેમિકલ રીએક્શનમાં આવા પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયાં હતાં. 2003માં થયેલી આ ઘટના કરતાં પણ વધુ તીવ્રતા ધરાવતો આ વિસ્ફોટ બન્યો છે. સાદી સમજમાં કહેવું હોય તો ગેસના 10 બાટલા એકસાથે વિસ્ફોટ પામે તેવા પ્રકારની તીવ્રતાનો આ બ્લાસ્ટ હતો. આસપાસનું બધું જ તૂટી પડતાં એ પણ મુશ્કેલી થઈ છે કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો તેનું ઉદભવસથાન કયું હતું. કારણ કે, આસપાસમાં તમામ સ્લેબ અને બાંધકામ તૂટી ગયાં છે.
ફાયર સેફ્ટીના નિયમોને ઘોળીને પી જવાતાં બનેલી આવી અન્ય ઘટનાઓ...