- રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ફટાકડા બજારમાં સન્નાટો
- રાજ્યમાં ફટાકડા ફોડવા કે નહિં તે મુદ્દે સોમવારે નિર્ણય લેવાશે
- ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
અમદાવાદઃ ગુજરાતમાં ફટાકડા મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલમ 144 અંતર્ગત આદેશ બહાર પાડવા સૂચના આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે થતી આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવવામાં આવી છે. કલમ 144 અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મત પ્રમાણે ફટાકડાનો ધુમાડો ફક્ત કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે જ નહીં પરંતુ કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે.
ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી
કોરોના સંક્રમણની સીધી અસ૨ ફેફસા પ૨ થઈ હોય છે એટલે કે, ફેફસા પ્રમાણમાં નબળા પડયા હોવાને લીધે ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા પછી પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિષ્ણાતો દ્વારા આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં ફટાકડા ફોડવાને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી સુપ્રિમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદીઓ રાતે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક જ ફટાકડા ફોડી શકશે. અમદાવાદ શહેરના બજારો, જાહેર રસ્તાઓ, ગલીઓ, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.